• હરણી એરપોર્ટ, માંજલપુર, સમા સ્પોર્ટ કોમ્પલેક્સ સહિત વિસ્તારોમાં ઝાડને કરી પેઇન્ટિંગ
  • પેઇન્ટર રાજેશભાઇએ 200થી વધુ ઝાડને કલાત્મક પેઈન્ટિંગ્સથી શણગાર્યા
  • ઝાડ પર પેઈન્ટિંગ બનાવવામાં અત્યાર સુધી 50 હજાર લિટર વોટર કલર્સનો ઉપયોગ કર્યો!

હું મારી આસપાસની દરેક વસ્તુ સુંદર અને ક્લાત્મક જોવાં માંગુ છું. મને ભવિષ્યમાં તક મળે તો વડોદરાના જાહેર સ્થળો અને ઝાડને સુંદર પેઈન્ટિંગ્સથી શણગારવાની મારી મહેચ્છા છે. આ શબ્દો છે, આર્ટિસ્ટ રાજેશ ભાઈ તડવીના. તેમણે વડોદરાને સુંદર બનાવવામાં માટે એક અનોખી પહેલ કરી છે. તેમણે શહેરના 200 જેટલાં ઝાડ પર વોટર કલર્સથી સુંદર પેઈન્ટિંગ્સ બનાવી તેને કલાત્મક રીતે શણગાર્યા છે.


જે વિશે તેમણે કહ્યું હતું કે, હું બાપોદ જકાતનાકા વિસ્તારમાં રહું છું. મેં વિદ્યાનગરથી ફાઈન આર્ટ્સનો અભ્યાસ કર્યો છે અને આર્ટ ક્ષેત્રે ઘણાં વર્ષોથી કાર્યરત છું. કોઈપણ વસ્તુને કલાના માધ્યમથી શણગારવી તે મારો શોખ છે. મેં અગાઉ આતાપી વંડરલેન્ડમાં પણ કામ કર્યું છે. ત્યાં મેં જોયું હતું કે, એક મહિલા આર્ટિસ્ટે ઝાડ પર વિવિધ કપડાં વીંટાળીને તેને કલાત્મક રીતે શણગાર્યું હતું.


ત્યારથી મને વિચાર આવ્યો હતો કે, ઝાડ પર સુંદર પેઈન્ટિંગ કરીને પણ તેને શણગારી શકાય છે. તાજેતરમાં સમા સ્પોટર્સ કોમ્પલેસ ખાતે રાજ્યકક્ષાની એક સ્પોર્ટ્સ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મેં સમા સ્પોર્ટ કોમ્પલેક્સના પરિસરમાં આવેલાં ઝાડ પર પેઈન્ટિંગ કરી હતી. તે સિવાય જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવ્યાં હતાં, ત્યારે પણ મેં હરણી એરપોર્ટથી લેપ્રસી ગ્રાઉન્ડ સુધીના ઝાડ પર કલાત્મક પેઈન્ટિંગ કરી હતી.


ઉપરાંત માંજલપુર દીપચેમ્બર સહિત વિવિધ સ્થળો પર 200થી વધુ ઝાડ પર પેઈન્ટિંગ્સ બનાવી છે. જેમાં મારા હેલ્પર મને મદદ કરે છે. પરંતુ કયા ઝાડની સાઈઝ પ્રમાણે કેવી રીતે ડિઝાઈન કરવી તે હું જ નક્કી કરું છું. ઝાડને કોઈ પણ પ્રકારનું નુકશાન ન થાય તે માટે હું વોટર કલરનો જ ઉપયોગ રું છું.


અત્યાર સુધી આ તમામ ઝાડને પેઈન્ટ કરવામાં અંદાજિત 50 હજાર લિટર કલર્સનો ઉપયોગ થયો છે. ઝાડને વધુ સુશોભિત કરવા તેનાં પર કચ્છીવર્ક, આભલાં કે અન્ય ડેકોરેશનનો ઉપયોગ કરું છું. દરેક ઝાડના થડની સપાટી સમતલ હોતી નથી. તેથી તેની સપાટી અનુરુપ ડિઝાઈન કરવી પડે છે. એક ઝાડ પર પેઈન્ટિંગ કરતાં અંદાજિત પથી 6 કલાકનો સમય લાગે છે.


આપણું વડોદરા કલા નગરી તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ભવિષ્યમાં જો મને તક મળે અને વડોદરા મહાનગર પાલિકા જો મારી આ પહેલમાં રસ દાખવી મને તક આપે તો શહેરના જાહેર સ્થળોથી લઈને તમામ ઝાડને મારે પેઈન્ટિંગના માધ્યમથી શણગારવાની ઈચ્છા ધરાવું છું.