- UIDAIના ડાયરેક્ટરે રાજ્યના આરોગ્ય કમિશનરને પત્ર પાઠવ્યો
- જન્મના દાખલામાં નામની કોલમમાં પિતા અને અટક સાથે નામ ન હોવાથી કેન્દ્રોમાં ડખાં
- આધાર કેન્દ્રોમાં બાળકોના આધાર રજિસ્ટ્રેશનને લઈને મોટાપાયે ડખા થઈ રહ્યા છે
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા- UIDAIએ રાજ્યના આરોગ્ય કમિશનર અને જન્મ, મરણ નોંધણી નિયામકને પત્ર પાઠવીને ગુજરાત સરકારમાં જન્મના પ્રમાણપત્રમાં વર્ષોથી ચાલતી આવતી ફોર્મેટમાં કેટલોક બદલાવ કરવુ કહ્યુ છે. વાસ્તવમાં 16 જાન્યુઆરીએ UIDAIએ આધાર કાર્ડ રજિસ્ટ્રેશન કરાવવા માટે બર્થ સર્ટી (જન્મના પ્રમાણપત્ર)માં નામના કોલમમાં જે નામ લખ્યુ હોય તેને જ નામ તરીકે નોંધવા સુચના આપ્યા બાદ ગુજરાતમાં અધિકાંશ આધાર કેન્દ્રોમાં બાળકોના આધાર રજિસ્ટ્રેશનને લઈને મોટાપાયે ડખા થઈ રહ્યા છે. UIDAIની નવી ગાઈડલાઈન મુજબ સરકારે ઈશ્યૂ કરેલા બર્થ સર્ટીફિકેટમાં બાળક કે વ્યક્તિનુ જે નામ હોય તેટલા નામથી જ આધારકાર્ડ બનાવવા કહેવાયુ છે. ગુજરાત સરકાર દ્વારા નિયત થયેલી અને વર્ષોથી ચાલી આવતી જન્મના પ્રમાણપત્રની ફોર્મેટના પ્રથમ કોલમમાં બાળકના નામની સામે માત્ર 'નામ' જ હોય છે. એટલે કે, પિતા કે માતા અને અટકનો સમાવેશ કરવામાં આવતો નથી. બર્થ સર્ટી.માં અટક સાથે માતા કે પિતાનું નામ બાળકના નામ પછીના નીચે ઉતરતા ક્રમના કોલમમાં હોય છે. જ્યારે કોઈ માતા- પિતા કે વાલી બાળકના આધાર માટે કેન્દ્ર ઉપર જાય છે ત્યારે 16 જાન્યુઆરી 2024ની નવી ગાઈડલાઈન મુજબ અટક અને માતા કે પિતાના નામ વગર ઓનલાઈન અરજી થાય છે.










