- રોડ પર મહિલા રડતી હોવાની જાણ જાગૃત નાગરિકે 181માં કરતા કાર્યવાહી કરાઈ
- મહિલા અને બાળકને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રાય અપાયો
- પ્રેમી સાથે ઝઘડો થતા પ્રેમીએ મારકૂટ કરી હતી
સુરેન્દ્રનગર જિલ્લામાં એક જાગૃત નાગરીકે એક મહિલાને રસ્તા પર રડતી જોઈ હતી. આથી 181માં કોલ જતા અભયમની ટીમ દોડી ગઈ હતી. જેમાં મહિલા તેના પ્રેમી સાથે લીવ ઈન રીલેશનશીપમાં રહેતી હોવાનું તથા પ્રેમીએ તેના 4 વર્ષના પુત્રને રાખ્યો હોવાનું સામે આવ્યુ હતુ. આથી અભયમની ટીમે પુત્રનો કબજો માતાને પરત અપાવ્યો હતો.
રાજયના અન્ય મેટ્રો શહેરોની જેમ સુરેન્દ્રનગરમાં પણ છેલ્લા ઘણા સમયથી લીવ ઈન રીલેશનશીપનું ચલણ વધ્યુ છે. કાયદાની દ્રષ્ટીએ યોગ્ય એવા આ સંબંધો સામાજિક રીતે હજુ પણ સ્વીકાર્ય નથી. તેમ છતાં અનેક યુગલો લીવ ઈનમાં રહેતા હોય છે. ત્યારે આવા જ એક લીવ ઈનના કિસ્સામાં અભયમની ટીમ પીડીતાની વ્હારે આવી હતી. બનાવની મળતી માહીતી મુજબ એક જાગૃત નાગરીકને રસ્તા પર એક પીડીત મહિલા રડતી નજરે પડી હતી. આથી તેની આપવીતી જાણ્યા બાદ 181 પર કોલ કરાયો હતો. જેમાં કાઉન્સીલર ચંદ્રીકાબેન મકવાણા, પાયલોટ જીજ્ઞેશભાઈ સહિતનાઓ દોડી ગયા હતા અને તપાસ કરતા મહિલા પરિણીત હતી. પરંતુ તે તેના પતિ સાથે રહેતી ન હતી અને 4 વર્ષના પુત્ર સાથે પ્રેમી સાથે લીવઈન રીલેશનશીપમાં રહેતી હતી. મહિલાને પ્રેમી સાથે ઝઘડો થયો હતો અને પ્રેમીએ મારકુટ પણ કરી હતી. ઝઘડા બાદ મહિલા પ્રેમી સાથે રહેવા માંગતી ન હતી. પરંતુ પ્રેમીની મહિલા પોતાની સાથે જ રહે તેવી ઈચ્છા હતી. અને પ્રેમીએ મહિલાના 4 વર્ષના દિકરાને તેની સાથે રાખી લીધો હતો.










