સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ માર્ગ સલામતી માસની ઉજવણી થઈ રહી છે. વાહનચાલકોને અકસ્માત નીવારવા વિવિધ માર્ગદર્શન અપાય છે. ત્યારે વર્ષ 2024ની જો વાત કરીએ તો જિલ્લામાં 372 માર્ગ અકસ્માતના બનાવ બન્યા છે. જેમાં 228 વ્યક્તિઓના મોત થયા છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા વાહન ચાલકોને માર્ગદર્શન ઉપરાંત અકસ્માતના બ્લેક સ્પોટ વિશે પણ માહિતી મેળવી અકસ્માત નીવારવા પ્રયાસો કરાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે અને અમદાવાદ-કચ્છ નેશનલ હાઈવે પસાર થાય છે. આ બન્ને હાઈવે પર છાશવારે જીવલેણ અકસ્માતના બનાવો બને છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર-વિરમગામ હાઈવે અને સુરેન્દ્રનગર-રાજકોટ હાઈવે પર પણ અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે વિતેલા વર્ષ 2024ની જો વાત કરીએ તો જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતેથી મળતી માહિતી મુજબ ગત વર્ષમાં અકસ્માતના 372 બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. આમ, દરરોજ એક માર્ગ અકસ્માતનો બનાવ બને છે. આ માર્ગ અકસ્માતના બનાવોમાં કુલ 228 લોકોએ જીવ ગુમાવ્યા છે. જયારે 223 લોકોને ગંભીર ઈજા અને 129 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ માર્ગ સલામતી માસની ઉજવણી થઈ રહી છે. ત્યારે જિલ્લા પોલીસ, આરટીઓ કચેરી દ્વારા વિવિધ સ્થળે માર્ગ સલામતીના કાર્યક્રમો કરવામાં આવે છે. આ ઉપરાંત શાળામાં પણ જાગૃતિ કાર્યક્રમો યોજીને ભાવિ નાગરિકોને આ બાબતે જાગૃત કરવામાં આવે છે.
વર્ષ 2024માં નોંધાયેલા મેજર જીવલેણ અકસ્માતો
1: તા. 12-2-24ના રોજ દસાડા તાલુકાના બુબવાણા ગામે ટ્રેકટરની ટ્રોલીમાં બેસી મજુરો ખેતી કામે જતા હતા. ત્યારે સીમમાં જીવંત વીજ વાયર અડી જતા પરપ્રાંતીય શ્રમિક ઉર્મીલાબેન અજયભાઈ, લાડુબેન ભરભાભાઈ અને કાજુભાઈ મોહનભાઈનું મોત થયુ હતુ. આ બનાવમાં છ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.
2: તા. 18-2-24ના રોજ ધ્રાંગધ્રાનો પરિવાર લગ્ન પ્રસંગમાં અમદાવાદ ગયો હતો. જયાંથી પરત ફરતા સમયે હરિપર રેલવે બ્રીજ પાસે કાર પલટી ખાઈ ગઈ હતી. જેમાં ઈન્દુબેન જીતેન્દ્રભાઈ જાદવ, રાધાબેન નીલકંઠભાઈ જાદવ, યજ્ઞેશભાઈ જાદવ, કાળુભાઈના મોત થયા હતા. જયારે 1 વ્યક્તિને ઈજા પહોંચી હતી.
3: તા. 21-6-2024ના રોજ લખતર હાઈવે પર બાઈક પર જતા ત્રણ યુવાનોને ડમ્પરે પાછળથી ઠોકર મારી હતી. જેમાં અશોક મફાભાઈ સેનવા, ગૌતમ દેવીદાસભાઈ પરમાર અને જીગાભાઈ કીશાભાઈ બાવળીયાનું મોત થયુ હતુ. અકસ્માત સર્જી ડમ્પર ચાલક અણિયાળી રોડ પર ડમ્પર મુકી ફરાર થઈ ગયો હતો.
4: તા. 26-11-24ના રોજ લીંબડી તાલુકાના શિયાણીનો પરિવાર પિતૃતર્પણ માટે પીકઅપમાં બેસી સોમનાથ જતો હતો. ત્યારે ચોટીલા હાઈવે પર ટ્રક સાથે અકસ્માત થયો હતો. જેમાં સગા-દેરાણી જેઠાણી મઘજીબેન, મંજુબેન, ગૌરીબેન અને ગલાલબેનનું મોત થયુ હતુ. આ અકસ્માતમાં 16 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.
જિંદગી અમૂલ્ય છે, સીટ બેલ્ટ અને હેલમેટનો ઉપયોગ કરો
સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફીક શાખાના પીએસઆઈ એલ.બી.બગડાએ જણાવ્યુ કે, જે વાહનોથી ખાસ કરીને અકસ્માત થાય છે તેવા ડમ્પર, ટ્રેકટર, ટ્રક સહિતના વાહનોમાં પોલીસ દ્વારા રીફલેકટર લગાવાય છે. બીજી તરફ નશો કરીને વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી થઈ રહી છે. જયારે ટ્રાફીક શાખા દ્વારા સ્પીડ ગનથી વાહનોની સ્પીડ ચેક કરી અતી સ્પીડ વાળા વાહનોચાલકોને મેમા અપાય રહ્યા છે. જિંદગી અમુલ્ય છે. વાહનચાલકોમાં કારમાં સીટબેલ્ટ અને દ્વીચક્રી વાહનોમાં હેલ્મેટનો ઉપયોગ કરે તે જરૂરી છે. જેના માટે માર્ગ સલામતી માસ અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો પણ પોલીસ કરી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોના બ્લેક સ્પોટ
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે (પાણશીણા, લીંબડી, સાયલા, ચોટીલા અને નાની મોલડી પોલીસ મથક), અમદાવાદ-કચ્છ નેશનલ હાઈવે (માલવણ અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક), સુરેન્દ્રનગર-વિરમગામ હાઈવે (વઢવાણ અને લખતર પોલીસ મથક)
વર્ષ દરમિયાન થયેલ અકસ્માતોનો અભ્યાસ કરાશે
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશકુમાર પંડયાએ જણાવ્યુ કે, પોલીસ દ્વારા ગત વર્ષ દરમિયાન થયેલા અકસ્માતોનો અભ્યાસ કરવામાં આવશે. જેમાં વર્ષ 2024 દરમિયાન સૌથી વધુ અકસ્માતો કયાં થયા.?, કેવા સમયમાં થયા.? તે સહિતની ઝીણવટભરી વિગતોનો સમાવેશ કરવામાં આવશે અને જયાં વધુ અકસ્માતો થયા છે તેવા સ્થળોએ અકસ્માતો ટાળવા જરૂરી પગલાં ભરવામાં આવશે.