રાજકોટથી અમદાવાદ તરફ્ મૃતદેહને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સને ગુરુવાર સાંજના સુમારે બાવળા પાસે અકસ્માત નડયો હતો. અકસ્માતના બનાવમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.
રાજકોટથી મૃતદેહ લઈને એમ્બ્યુલન્સ મારફ્તે અમદાવાદ ખાતે જઈ રહેલા પરિવારને બાવળા બગોદરા હાઈવે પર આવેલા કલ્યાણગઢ પાટિયા નજીકના એક પેટ્રોલ પંપ ની સામે એમ્બ્યુલન્સ ચાલક દ્વારા અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ વાન પલટી ખાઈ જવા પામી હતી મૃતદેહ લઈ જતા પરિવારના ત્રણ વ્યક્તિ અભયસંગ ચૌહાણ, શકુબેન ચૌહાણ તથા દેવાભાઈ ચૌહાણને શારીરિક ઈજાઓ થતા રાહદારીઓ દ્વારા 108ને ફોન કરાયો હતો અને બાવળાની 108 મારફ્તે ત્રણે ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. પરિવારના ત્રણ લોકોને સારવાર માટે ખસેડાયા બાદ એમ્બ્યુલન્સ વાનમાં રહેલો મૃતદેહ રોડ પર દોઢ કલાક સુધી રઝળતો રહ્યો હતો. બનાવ અંગે બાવળાના સામાજિક કાર્યકર દાદન વ્હોરાને જાણ કરાતા તેઓ તુરત જ ઘટનાસ્થળે આવ્યા હતા અને મૃતદેહને બાવળા સરકારી હોસ્પિટલમાં પહોંચાડયો હતો.










