- નવ વર્ષથી આરોપી જેલમાં છતાં ધરપકડ નહીં
- શૈલેન્દ્ર શાહુને SOGએ જેલ બહારથી પકડયો
- એસિડ એટેક કરનાર સાધકની નવ વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી હતી
લંપટ સાધુ આસારામ બાપુ અને તેના પુત્ર નારાયણ સાંઇ વિરૂદ્ધ બે બહેનો દ્વારા નોંધાયેલા બળાત્કારના ગુનામાં સાક્ષી રહેલાં તથા સાક્ષીઓની મદદગારી કરનાર વેસુના આધેડ ઉપર એસિડ એટેક કરનાર સાધકની નવ વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ સાધક 2014માં જ બળાત્કારની ફરિયાદ કરનાર યુવતીના પતિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં ખટોદરા પોલીસ દ્વારા ઝડપાઇ ગયો હતો અને ત્યારથી જેલમાં હતો, પરંતુ ઉમરા પોલીસ તેની ધરપકડ કરવાનું જાણે ભૂલી ગઇ હોય તેમ નવ વર્ષ સુધી કોઇ કાર્યવાહી કરી ન હતી. સોમવારે તે જામીન ઉપર મુક્ત થતાં એસ.ઓ.જી.એ તેને જેલ બહારથી જ દબોચ્યો હતો.
2013-14માં લંપટ સાધુ આસારામ બાપુ અને તેના પુત્ર નારાયણ સાંઇ વિરૂદ્ધ બે સગી બહેનોએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા દેશભરમાં ચકચાર મચી હતી. સુરતમાં રહેતી બંને સગી બહેનોએ નોંધાવેલી ફરિયાદ બાદ બંને પિતા-પુત્રની ધરપકડ માટે પોલીસે દોડાદોડી કરી મૂકી હતી. નારાયણ સાંઇ તો ભારે રઝળપાટને અંતે ઝડપાયો હતો. પોતાના સંત વિરૂદ્ધ ગુનો નોંધાતા કેટલાંક સાધકોએ તેમને છોડાવી શકાય તે માટે સાક્ષીઓ અને ફરિયાદીઓને ટાર્ગેટ કરવા શરૂ કર્યા હતા.










