અમદાવાદ સહિત ગુજરાતભરમાં અસામાજિક તત્વો અને આતંક મચાવનારા ટપોરી વિરૂદ્ધ હવે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં કુખ્યાત કાલુ ગરદન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જુહાપુરા વિસ્તારમાં કાલુ ગરદનના ઘરને તોડી પાડવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કુખ્યાત ગુંડો કાલુ ગરદન શરીર અને મિલકત સંબંધી ગુનામાં સંકળાયેલો હતો.
કાલુ ગરદન દારૂ જુગારની પ્રવૃત્તિમાં સંકળાયેલો હતો
આ સિવાય કાલુ ગરદન દારૂ, જુગારની પ્રવૃત્તિમાં પણ સંકળાયેલો હતો. આ સિવાય વેજલપુર પોલીસે અન્ય આરોપીઓના ગેરકાયદેસર મકાનોની માહિતી મેળવી છે અને આગામી સમયમાં અન્ય આરોપીઓ સામે પણ આ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ જાહેરમાં મચાવેલા આતંક બાદ રાજ્યભરમાં પોલીસ એક્શન મોડમાં છે અને જાહેરમાં કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃતિ કરતું જો કોઈ નજરે ચઢે છે તો તેની વિરૂદ્ધ આકરા પગલા લેવામાં આવી રહ્યા છે.
જામનગર પોલીસે ટપોરીઓનું લિસ્ટ તૈયાર કર્યુ
જામનગર પોલીસ દ્વારા આ બાબતે અત્યાર સુધીમાં 285 જેટલા અસામાજિક તત્વોનો સર્વે કરાયો છે, જેમાં 46 જેટલા લોકોને બોલાવી પુછપરછ શરુ કરવામાં આવી છે. જામનગર શહેરની સાધના કોલોની વિસ્તારમાં રહેતા લિસ્ટેડ બુટલેગર હિતેષ (ઉર્ફે સાકીડો) સોમાભાઈ ચાવડા, શહેરના ગ્રીન સિટી વિસ્તારમાં આવેલી શાલીગ્રામ હોસ્પિટલ નજીક રહેતા લિસ્ટેડ બુટલેગર દીપક (ઉર્ફે અટાપટુ) જેઠવાણી અને શહેરના 58 દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા લિસ્ટેડ બુટલેગર દિપક (ઉર્ફે દિપુ સરગમ) ખીચડાના ઘરની સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવી હતી. આ દરમ્યાન સાધના કોલોની વિસ્તારમાં રહેતા લિસ્ટેડ બુટલેગર હિતેષ (ઉર્ફે સાકીડો) સોમાભાઈ ચાવડા ઘર નજીક એક દેશી દારૂની મહેફીલમાં મોજ મારતા 6 પીધેલા શખ્સો ઝડપાયા હતા.









