- બનાવટી આધારકાર્ડના આધારે મજૂરોને ઘુસાડવાનું ષડ્યંત્ર
- સરહદી વિસ્તારમાં પ્રવેશ માટે મજૂરોના બોગસ આધારકાર્ડ બનાવાયા
- શંકાના આધારે ગુપ્ત રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી
કચ્છના ખાવડા નજીક રણ સરહદે અદાણી ગ્રુપના સોલાર પ્લાન્ટના કામકાજમાં પરપ્રાંતીય મજૂરોને પેટા કોન્ટ્રાક્ટર અવિન્યા બિલ્ડર્સ પ્રા. લિ.નામની કંપનીના માલિક અભિષેકસિંગ અવધબિહારી મંડલ દ્વારા બનાવટી આધારાકાર્ડના માધ્યમથી ગેરકાયદેસર રીતે ઘૂસાડવામાં આવી રહ્યાની ખાવડા પોલીસને ઉદ્ભવેલી શંકાના આધારે ગુપ્ત રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી. જે તપાસમાં પોલીસની શંકા સાચી ઠરતાં બનાવટી આધારકાર્ડના આધારે મજુરોને પ્રતિબંધિત સીમાવર્તી વિસ્તારમાં ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. મામલામાં ખાવડા પોલીસે પેટા કોન્ટ્રાક્ટ કંપનીના માલિક, પાર્ટનર સહિત ત્રણ શખસો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખાવડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.બી. વાઘેલાએ હરિયાણાના ગુડગાંવના અવિન્યા બિલ્ડર્સના માલિક અભિષેકસિંગ તેમજ ખાવડાના કર્મચારી અજયકુમાર અને મોનુકુમાર વિરુદ્ધ આઈપીસી 465, 467, 471, 120(બી) અને આઈટી એકટની કલમ 66(બી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી સીપીઆઈ પી.બી.ગઢવીએ હાથ ધરી છે.










