- વરસાદના પાણી ઓસર્યા બાદ હવે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ
- ગોદરેજ ગાર્ડન સીટી વિસ્તારમાં લાગ્યો વાહનોનો જામ
- સતત 1 કલાકથી વાહનચાલકો અટવાયા
અમદાવાદના પોશ વિસ્તાર એવા ગોદરેજ ગાર્ડન સીટીના સ્થાનિકો કંટાળી ગયા છે,પહેલા પાણી ભરવાની સમસ્યા અને ત્યારબાદ પાણી ઉતર્યા તો હવે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે,ઓફીસ જવાના સમયે ટ્રાફિક જામ થતા વાહનચાલકો રોડ પર અટવાયા છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડ પર કોઈ ટ્રાફિક પોલીસ ઉભી નથી જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે,કોઈ ટ્રાફિક મેનેજમેન્ટ ન હોવાને લઇ સ્થિતિ બગડી ગઈ છે.
ચાર રસ્તા પર પોલીસચોકી પણ કોઈ પોલીસકર્મી નહી
ગોદરેજ ગાર્ડન સીટીના ચાર રસ્તા પાસે જ પોલીસ ચોકી છે પણ પોલીસ કર્મી હાજર નહી હોવાથી લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે,ઓફીસ જવાના સમયમાં ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકોમાં રોશ જોવા મળી રહ્યો છે,આ સમસ્યા કોઈ એક વખતની નથી સામન્ય વરસાદમાં પણ કોઈ પોલીસકર્મી હાજર રહેતા નથી અને ટ્રાફિકજામ સર્જાય છે તેવો આક્ષેપ સ્થાનિકો દ્રારા કરવામાં આવ્યો છે,પોલીસ પણ તેની ફરજ સમય પ્રમાણે કરે તે જરૂરી બન્યું છે,જો સમય પ્રમાણે પોલીસ તેના પોઈન્ટ પર હાજર નહી રહે તો ટ્રાફિક જામની સમસ્યા યથાવત રહેશે અને લોકો ઓફીસ મોડા પહોંચશે.

ગોદરેજ ગાર્ડન સીટીમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાય છે
ગોદરેજ ગાર્ડન સીટીમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાય છે અને આ રોડ પર ખાડા પણ પડી ગયા છે,ગોદરેજ ગાર્ડન સીટી જગતપુર ખાતે રહીશો ગઈકાલે ભેગા થયા હતા અને સતત પાણી ભરાવાની સમસ્યા અને વાહનોને થઈ રહેલા નુકસાન તેમજ રોડ રસ્તા પાણીમાં ગરકાવ જેવી સ્થિતિ સામે કોર્પોરેશન કે ડેવલપર દ્વારા કોઈ મદદ ન કરાતા વિરોધ પણ કરાયો હતો,સ્થાનિકોનું કહેવું છે કે,દર ચોમાસામાં રોડ પર પાણી અને ખાડા પડી જાય છે.
રસ્તાએ લીધું ખાડાનું સ્થાન ?
કહેવાતા સ્માર્ટ સીટીના દાવા પોકળ સાબિત થયા છે,તમે પણ જગતપુર અને ગોદરેજ ગાર્ડનસીટી રોડ પર જશો તો તમને પણ અનુભવ થશે કે આ રોડ કેટલી હદે ખરાબ છે,થોડાક જ વરસાદમાં વિકાસની વાસ્તવિકતા સામે આવી છે.વરસાદ બાદ સ્માર્ટ શહેરની શરમજનક સ્થિતિ થઈ ગઈ છે.જ્યાં જુવો ત્યાં રોડના બદલે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે.ગોદરેજ ગાર્ડન સીટી, જગતપુર, છારોળી,વંદે માતરમ સહિતના વિસ્તારોમાં રોડ કરતા ખાડાઓનું પ્રમાણ વધુ છે જેના કારણે સ્થાનિકોને અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે.









