- લઘુતમ તાપમાનમાં ઘટાડો : ગરમ વસ્ત્ર્રોની માંગમાં ઉછાળો
- જિલ્લામાં કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર એકાએક વધી પડયું
- કાતિલ ઠંડીના કારણે લોકોને ગરમ વસ્ત્ર્રોનો સહારો લેવો પડયો
બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર એકાએક વધી પડયું છે. તેથી લોકોને ગરમ વસ્ત્ર્રો પહેરવાની નોબત આવી છે. જેના કારણે જિલ્લાની શહેરી બજારોમાં ગરમ વસ્ત્ર્રોના સ્ટોલ અને દુકાનોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.
હવામાન વિભાગની અગાહીના પગલે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ પાંચ દિવસ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે રવિવારે કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.જેથી ખેતી પાકો સહિત જાનમાલને વ્યાપક નુકસાન થતા બીપરજોય વાવાઝોડાની યાદ તાજી થઈ ઉઠી હતી. જો કે, કમોસમી વરસાદની વધુ ઘાત પૂરી થઈ ગઈ છે પણ કમોસમી વરસાદ બાદ હવે જિલ્લામાં અચાનક ઠંડીનું જોર વધી પડયું છે. જેથી કાતિલ ઠંડીમાં જિલ્લાવાસીઓ ઠુંઠવાઈ ઉઠયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જિલ્લામાં હવે માવઠાની કોઈ શકયતા નથી પણ કમોસમી વરસાદના કારણે લધુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. જેથી હવે ઠંડીનું જોર વધશે. જેના પગલે ઠંડીનો ચમકારો વધ્યો છે. કાતિલ ઠંડીના કારણે લોકોને ગરમ વસ્ત્ર્રોનો સહારો લેવો પડયો છે. તેથી ગરમ વસ્ત્ર્રોની માંગમાં ઉછાળો આવતા દુકાનો અને સ્ટોલો ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.










