• હરિદ્વારથી મંગાવેલા ગંગાજળ ભરેલાં કળશો સાથે યાત્રા નીકળી

  • આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે જ્યોતિલિંગ પર જળાભિષેક કરાશે
  • શિવભક્તોની કાવડયાત્રાઆસ્થાનો મહાસાગર

કોરોનાકાળના બે વર્ષ બાદ કાવડયાત્રાનો આરંભ થયો છે. શિવ આરાધનાના મહાપર્વ પવિત્ર શ્રાવણ માસના અવસરે વિશ્વ કલ્યાણ સંસ્થા- અમરનાથ ધામ તથા જય અંબે મિત્ર મંડળ દ્વારા અમરનાથ જલાભિષેક કાવડ પદયાત્રાનો પ્રારંભ થયો છે. આ કાવડયાત્રા આવતીકાલે શ્રાવણ મહિનાના પહેલા સોમવારના રોજ ગાંધીનગર-મહુડી હાઈવે સ્થિત પવિત્ર અમરનાથ ધામ ખાતે પહોંચશે.

અંદાજે 4 હજારથી પણ વધુ કાવડીયાઓ ગંગાજળ લઈને આ પદયાત્રામાં જોડાયા છે. અમદાવાદ અમરાઈવાડી ખાતેના નાગરવેલ હનુમાન મંદિરેથી આરંભ થયેલી આ પદયાત્રા એરપોર્ટ, હાંસોલ, ગાંધીનગર, પેથાપુર, ગ્રામભારતી થઈ પંચાવન કિમીની પદયાત્રા પૂરી કરી અમરનાથ ધામ પહોંચશે. કાવડયાત્રાના પ્રારંભ સાથે જ માર્ગો બોલ બમ, હર હર મહાદેવ, બોલ બમ કા નારા હૈ શિવ તુ હી સહારા હૈના નાદ સાથે ગુંજી ઉઠયા હતા. શિવ ભક્તિનો અનેરો મહાલો માર્ગો પર જોવા મળ્યો હતો. શ્રાધ્ધાળુઓ ખૂલ્લા પગે અંદાજે 55 કિમીની આ કાવડ પદયાત્રામાં જોડાયા છે. આવતીકાલે 1લી ઓગષ્ટના રોજ પહેલા શ્રાવણીયા સોમવારે ગાંધીનગર-મહુડી હાઈવે સ્થિત અમરનાથ ધામમાં હુબહુ સ્વરૂપના અદ્વિતીય દ્વાદશ જ્યોતિર્લીંગ ઉપર કાવડીયા દ્વારા જલાભિષેક કરવામાં આવશે. આ પ્રસંગે જય અંબે મિત્રમંડળ દ્વારા ધજારોહણ, દેવોના દેવ ભગવાન અમરનાથની સામુહિક 601 દિવાની આરતી કરવામાં આવશે.

આ અંગે અમરનાથ ધામના મેનેજીંગ ટ્રસ્ટી દિપકભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અંબાજી અને ડાકોરની પદયાત્રાનું અનોખુ મહત્વ છે. તે જ રીતે ગુજરાતમાં પ્રથમ વખત દેવાધિદેવ ભગવાન ભોલેનાથની પદયાત્રાનું આઠમી વખત આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં બતાવ્યું છે કે શિવભક્ત કાવડિયાઓ સાચી શ્રાધ્ધા અને સાચી ભક્તિ સાથે કાવડયાત્રા કરે છે. તેમના દરેક કદમની સાથે અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થાય છે. શિવભક્ત ભગવાન પરશુરામે કાવડ લઈ ગડમુક્તેશ્વરથી ગંગાજલ ભરીને શિવમંદિરમાં જલાભિષેક કર્યો હતો. ત્યાંથી આ કાવડયાત્રાની શરૂઆત થઈ છે. કાવડપદયાત્રામાં દરેક શ્રાધ્ધાળુઓ એકસરખા ભગવા વસ્ત્રો અંગિકાર કરીને તથા હરિદ્વારથી મંગાવેલા ગંગાજલ ભરેલા પાંચ હજારથી પણ વધુ કળશ સાથે કાવડ પદયાત્રામાં જોડાયા છે. એક સાથે ગંગાજલ ભરેલા કળશને ધારણ કરીને કાવડ સાથે પદયાત્રિકોને માર્ગો પર જતા નિહાળવાનો પણ એક અનોખો અવસર હોવાનું જય અંબે મિત્ર મંડળના રઘુવરપ્રસાદ જયસ્વાલે જણાવ્યું હતું.

શિવભક્તોની કાવડયાત્રાઆસ્થાનો મહાસાગર

અમદાવાદના અમરાઈવાડી હનુમાન મંદિરેથી અમરનાથ જલાભિષેક કાવડ પદયાત્રા ગાંધીનગર-અમદાવાદ હાઈવે સ્થિત અમરનાથ ધામના દ્વાદશ જ્યોતિલિંગ પર જલાભિષેક કરવા માટે રવાના થઈ ચૂકી છે. ભગવા વસ્ત્રોમાં શ્રાધ્ધાળુઓ ગંગાજળ ભરેલા કળશ સાથે બમ ભોલેના નારા સાથે 55 કિમીની યાત્રામાં ખૂલ્લા પગે નીકળી પડયા છે. કાવડીયાઓ શ્રાવણના પ્રથમ સોમવારે અમરનાથધામ પહોંચશે, જ્યાં જ્યોતિલિંગ પર ગંગાજળનો જળાભિષેક કરાશે.


  • Follow us on: