કમોસમી વરસાદને લઇ હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને અગામી તા.૦૬/૦૫/૨૦૨૫ થી ૦૮/૦૫/૨૦૨૫ સુધી જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે પવન ફુંકાવાની સંભાવના છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને બાગાયતી પાકોની ખેતી કરતાં ખેડૂતો પાકનાં રક્ષણ માટે ઉચીત પગલાં લેતાં હોય જ છે.
ખેડૂતો આ બાબતોનું રાખે ધ્યાન
01-ખેતરમાં તૈયાર થયેલ ફળ અને શાકભાજી સહીતનાં બાગાયતી પાકો ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવા અથવા પ્લાસ્ટિક/ તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું.
02-કોઈ પણ રાસાયણિક/ સેન્દ્રીય ખાતરો કે હોર્મોન્સ તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો.
03-ખેડૂતોએ નવા ફળપાકોનું વાવેતર કમોસમી વરસાદની આગાહી સમય દરમિયાન ટાળવું, તાજેતરમાં વાવેતર કરેલ કે જુના વાવેતર કરેલ પાકોમાં મજબુતાઈ માટે જરૂર પુરતા ટેકા આપવા, બાગાયતી પાકોમાં કમોસમી વરસાદ દરમિયાન પિયત આપવાનું ટાળવુ, નેટહાઉસ કે ગીનહાઉસ બનાવેલ હોય એવા સંજોગોમાં શક્ય હોય તો નેટ/પોલી ફિલ્મ ઉતારી લેવુ, કેળ અને પપૈયા જેવાં પાકોમાં ટેકા આપવા, મંડપ પદ્ધતિથી વાવેતર કરેલ વેલાવાળા પાકોમાં હાર્વેસ્ટિંગ કરી શક્ય હોયતો પાન ખેરવી નાખવા, તેમજ છટણી/પ્રુનીંગ માટેના સાધનો જેવાં કે હાથ કરવત, ચેઈન-સો, નિસરણી, વાયરો હાથવગા રાખવા.
04-જો વરસાદી પાણીનો ભરાવો થતો હોયતો પાણીના તાત્કાલીક નિકાલની વ્યવસ્થા ચકાસવી. જુના બગીચાઓમાં ઝાડની છટણી કરવી જેથી ભારે પવન અને વરસાદથી થનાર નુકસાનથી બચી શકાય, અગમચેતી રુપે જરુરી જંતુનાશક અને ખાતરોને વ્યવસ્થિત ઢાંકીને સંગ્રહ કરવો જેથી કમોસમી વરસાદ બાદ જરૂર પડ્યે તેને ત્વરિત ઉપયોગમાં લઈ શકાય. તેમજ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડુતોએ જૈવિક નિયંત્રણોનો ઉપયોગ કરવા નાયબ બાગાયત નિયામક બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.