નેનો ટેકનોલોજી આધારિત ખાતરો કૃષિમાં ક્રાંતિકારી ઈનપુટ સાબિત થઇ રહ્યા છે. જે પાકને જરૂરી મુખ્ય તત્વો નાઈટ્રોજન અને ફૉસ્ફરસ પ્રદાન કરે છે. નેનો ખાતરો ખેડૂતો માટે ઉત્પાદકતા વધારવા અને આબોહવા પરિવર્તન સામે લડવા માટે એક સક્ષમ વિકલ્પ છે. કૃષિમાં ક્રાંતિકારી નેનો ખાતરોનો વ્યાપ વધે અને પાકના પોષણ સાથે પ્રકૃતિની જાળવણીમાં મદદરૂપ થનાર નેનો ફર્ટીલાઈઝર (ખાતર)ની ખરીદી પર સહાય આપવાની યોજના સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવી છે.


ખેડૂતોની આવકમાં વધારો થશે

નેનો ફર્ટીલાઈઝરમાં નેનો સ્કેલમાં તત્વોના કણો હોય પરંપરાગત ખાતરો કરતા વધુ સપાટી વિસ્તાર અને એકમ વિસ્તાર દીઠ કણોની સંખ્યા, તેઓ સરળતાથી કોષની દીવાલ દ્વારા અથવા પાંદડાના સ્ટોમેટલ છિદ્રો દ્વારા પ્રવેશ કરી શકે છે.છોડમા પ્રવેશ્યા પછી, તેઓ ફલોમ કોશિકાઓ, પ્લાઝમોડેસ્માટા દ્વારા છોડના અન્ય ભાગોમાં પરિવહન થાય છે અથવા એક્વાપોરીન, આયન ચેનલો અને એન્ડોસાયટોસીસ દ્વારા વાહક પ્રોટીન સાથે જોડાઈ શકે છે. નેનો ફર્ટીલાઈઝર પ્રવાહી સ્વરૂપે પર્ણસમૂહનો ઉપયોગ વધુ કાર્યક્ષમ નાઇટ્રોજન અને ફૉસ્ફરસ શોષણ, સારી વાનસ્પતિક વૃદ્ધિ, અનાજ ઉત્પાદન અને પાકની ગુણવત્તામાં વધારો કરે છે.નેનો ફર્ટીલાઈઝર (ખાતર)ના ફાયદાઓની વાત કરીએ તો, પાકની વધુ ઉપજ,ખેડૂતોની આવકમાં વધારો, ગુણવત્તા સભર ઉત્પાદન, રાસાયણિક ખાતરના વપરાશમાં ઘટાડો, પર્યાવરણ અનુકૂળ, સંગ્રહ અને પરિવહન કરવું સરળ છે.

ખેડૂતોને મળવાપાત્ર સહાય

ખેડૂતોને નેનો ફર્ટીલાઈઝરની ખરીદી પર કિંમતના ૫૦% ની મર્યાદામાં FCO - 1985 માન્ય ગ્રેડના સરકાર માન્ય કંપનીનું નેનો ફર્ટીલાઈઝર સબસીડી બાદ કરતા મળી રહેશે. અને ખાતા દીઠ વધુમાં વધુ ચાર હેકટરની મર્યાદામાં સબસીડી મળવાપાત્ર છે.ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે આજે જ આપના નજીકના સરકાર માન્ય વિક્રેતાનો સંપર્ક કરવો અને યોજનાની વધુ વિગત માટે આપના વિસ્તારના ગ્રામસેવક અથવા તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી)નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

  • Follow us on: