- ગુજરાતમાં બાગાયતી ખેતી કરવાનું પ્રમાણ વધ્યું
- ખેડૂતો વધુ પ્રમાણમાં ફળ પાકની કરે છે ખેતી
- સરકાર તરફથી ખેડૂતને મળતી વિવિધ સહાયતા
ગુજરાતમાં આંબા, જામફળ, લીબું, આમળા, ચીકું, કેળ, પપૈયા, ખારેક, નાળીયેરી, કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ), સરગવા જેવા બાગાયતી પાકોની ખેતી કરતાં અને કરવા માંગતા ખેડૂતોને સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. ગ્રો મોર ફ્રુટ ક્રોપ કેમ્પેઇન અંતર્ગત વિવિધ યોજનાઓ હેઠળ સહાય અને લાભ આપવા માટે સરકાર દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં અરજી કર્યા બાદ ખેડૂતો જે તે પાક પ્રમાણે સહાયતા મેળવી શકે છે.
આ અંગે બાગાયતી વિભાગના ડો એસએસ પીલ્લાઈએ જણાવ્યું હતું કે, બાગાયતી ખેતીમાં ખાસ કરીને ફળ પાકની ખેતીમાં ખેડૂતો સૌથી વધારે કમાણી કરી શકે છે આ ઉપરાંત ફળમાં વિવિધ પ્રકારના પોષક તત્વો આવેલા હોય છે. જેના કારણે વધુ ફળનું ઉત્પાદન થતાં લોકોને સરળતાથી તે મળી શકશે. જેથી કરીને કુપોષણ જેવી સમસ્યા પણ દૂર કરી શકાશે.
આ યોજના થકી મળશે સહાય
ખેડૂતો વધુ પ્રમાણમાં ફળ પાકની ખેતી કરે તે માટે રાજ્યભરમાં ગ્રો મોર ફ્રુટ ક્રોપ કેમ્પિયન ચાલી રહ્યું છે. જે અંતર્ગત સરકાર તરફથી મળતી વિવિધ સહાયતા ખેડૂતને ખૂબ જ સરળતાથી મળી રહે તે માટે પોર્ટલ ખુલ્લું રાખવામાં આવ્યું છે. જેમાં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે, આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદક્તા વધારવાની યોજના, આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય યોજના, કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ)ના વાવેતર માટેનો સહાય કાર્યક્રમ, કેળ(ટીસ્યુ)નો ફળપાક કે ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કોમ્પ્રિહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો જેવા કે આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય, પપૈયા કે પપૈયા- ફળપાક ઉત્પાદક્તા વધારવા, ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, ફળપાકો જેવા કે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ વગેરે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા તથા સરગવાની ખેતીમાં સહાય જેવી બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકાય છે.
આ તારીખ સુધી કરી શકાશે અરજી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આઈ પોર્ટલ પર ખેડૂત 15મી ઓગસ્ટ સુધી પોર્ટલની વેબસાઈટ www.ikhedut.gujarat.gov.in પર અરજી કરી શકાશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ આઉટ લઈને તેની પર સહી સિક્કા કરીને તેની સાથે ડોક્યુમેન્ટ એટેચ કરવાના રહેશે. ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ ની નકલ, 17/ 12 અને 8- અની અસલ નકલ, આધાર કાર્ડ સાથે લિંક પાસબુક ના પહેલા પાનાની નકલ, કેન્સર ચેક તથા જાતીય દાખલો મેળવી સાત દિવસમાં જે તે જિલ્લાની કચેરીએ પહોંચાડવાની રહેશે. દરેક પાક માટે સરકાર દ્વારા અલગ અલગ જોગવાઈ કરવામાં આવી છે આથી જ ખેડૂતો દ્વારા નક્કી કરેલ જે તે પાક પ્રમાણે સહાય મેળવી શકશે.