ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ઘણા ખેડૂતો આ સમયે ઉનાળુ તલ અને મગફળીનું વાવેતર કરશે. અહીં આ બંને પાકને રોગથી બચાવવાના કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે.
તલ અને મગફળીનું ઉત્પાદન વધારવા માટે છોડને રોગ ન આવે તેની કાળજી રાખવી જોઈએ અને સમયસર પિયત આપવું જોઈએ. જો હવામાન સારું રહેશે તો તલ અને મગફળીનું ઉત્પાદન ખૂબ સારું મળશે. છોડ મોટા થાય ત્યારે શરૂઆતમાં પાંચ દિવસે પાણી આપવું જોઈએ. નિતારવાળી જમીન હોય તો ચાર દિવસે પાણી આપવું. બીજ મોટા થાય ત્યાર બાદ 10 થી 12 દિવસે પાણી આપવું. આ રીતે પાણી આપવાથી તલ અને મગફળીનું સારું ઉત્પાદન મળે છે. પાણીની સાથે જીવામૃત પણ ભેળવીને છોડને આપી શકાય છે, જેનાથી છોડનો વિકાસ સારો થાય છે અને ઉત્પાદન વધે છે.
ચૂસિયા જેવી જીવાતના નિયંત્રણ માટે ટ્રાયઝોફોસ 50 EC પાણીમાં ભેળવી છંટકાવ કરવો. નીંદણ નિયંત્રણ માટે ભૌતિક પદ્ધતિઓ કરતાં રાસાયણિક દવાઓ વધુ અસરકારક છે. જોકે, દવાઓનો ઉપયોગ ત્યારે જ કરવો જોઈએ જ્યારે ખુબ જરૂર હોય. નીંદણ નિયંત્રણ માટે ઘનિષ્ઠ પાક પદ્ધતિઓ જેવી કે બહુપાક પદ્ધતિ, રિલે પાક પદ્ધતિ અને આંતરપાક પદ્ધતિ અપનાવવી વધુ ફાયદાકારક છે. તલના પાકમાં ગાંઠીયા માખીના નિયંત્રણ માટે લીમડાના મીંજનો ભૂકો 500 ગ્રામ તૈયાર કરી પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી રોગ નિયંત્રણ કરી શકાય છે. ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે કોઈપણ એક દવા 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ.
ખેડૂતોએ સમયાંતરે છોડની તપાસ કરતા રહેવું જોઈએ કે કોઈ જીવાત કે રોગ તો નથી લાગ્યો ને. જો કોઈ નાનો-મોટો રોગ કે જીવાત દેખાય તો લીમડાના મીંજનો ભૂકો તૈયાર કરી પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ. આમ કરવાથી રોગ અને જીવાતનું નિયંત્રણ કરી શકાય છે. ખેતરમાં હંમેશા દેશી છાણિયું ખાતરનો સમયાંતરે ઉપયોગ કરવો જોઈએ. કોઈપણ પ્રકારની રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ. પ્રાકૃતિક ખેતી દ્વારા તલ અને મગફળીનું ઉત્પાદન સારું મળી શકે છે, જે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે.