રાઇના પાકમાં મોલો-મશી, રાઇની માખી જેવી પાન કળી, ફૂલ તેમજ શિંગને નુક્શાન કરતી જીવાતો તથા ભૂકી છારો, તળછારો અને સફેદ ધેરૂ જેવા રોગોના સંકલિત વ્યવસ્થાપન અંગે ખેડૂતોએ વાવણી સમયે વિવિધ પગલા લેવાના થાય છે.
પિયત આપવાનો આગ્રહ રાખવો
રાઇના પાકમાં સંકલિત રોગ- જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલા/વાવણી સમયે લેવાના પગલામાં તળછારો રોગને અટકાવવા માટે બે થી ત્રણ વર્ષ માટે પાકની ફેરબદલી કરવી, રોગિષ્ટ અવશેષોનો નાશ કરવો, રોગમુક્ત પ્રમાણિત બિયારણની પસંદગી કરવી, જીએમ ૭(બનાસ અનમોલ), ગુજરાત આણંદ રાઇ -૮ (આણંદ હેમા) જેવી ભૂકી છારો રોગપ્રતિકારક નવીન જાતો વાવેતર કરવાની ભલામણ છે, બિયારણને વાવતા પહેલાં ફૂગનાશક દવા થાયરમ અથવા કેપ્ટાન (૩ ગ્રામ પ્રતિ, ૧ કિ.ગ્રા. બીજ) અથવા એપ્રોન (મેટાલેક્ષીલ) ૩૫ એસ ડી નો ૬ ગ્રામ/ કિ.ગ્રા. બીજ દીઠ પટ આપવો, ભલામણ મુજબ નાઇટ્રોજનયુક્ત ખાતર અને પિયત આપવાનો આગ્રહ રાખવો.
અધિકારીનો કરો સંપર્ક
વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજી રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
રાઈ વનસ્પતિ
રાઈ મસાલા પ્રકારની વનસ્પતિ છે જેનાં બીજ (દાણા) પણ "રાઈ" કહેવાય છે. અંગ્રેજી ભાષામાં વનસ્પતિનાં છોડને ‘Mustard plant’ અને દાણાને ‘Mustard seed’ કહેવાય છે. રાઈનાં દાણા પર પ્રક્રિયા કરી તેમાંથી તેલ કાઢવામાં આવે છે તેમ જ આ વનસ્પતિનાં લીલા પાન શાકભાજી તરીકે પણ ખોરાકમાં લેવાય છે.













