નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતો દ્વારા હાલ રવિ સિઝન માટે રાસાયણિક ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓની ખરીદી કરવામાં આવી રહી છે. આ બાબતે ખેડૂતોએ ખરીદી પૂર્વે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.


બિયારણની થેલી સીલબંધ

આ માર્ગદર્શિકામાં જણાવ્યા પ્રમાણે, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર અને બિયારણની ખરીદી હંમેશા અધિકૃત લાયસન્સ/ પરવાનો ધરાવતા વિશ્વાસુ વિક્ર્તા પાસેથી જ પાકુ બિલ મેળવીને ખરીદી કરવાનો આગ્રહ રાખવો. રાસાયણિક ખાતરની થેલી, જંતુનાશક દવાની બોટલ/ ટીન તથા બિયારણની થેલી સીલબંધ છે કે કેમ તેની ખાતરી કરવી તથા કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલી જંતુનાશક દવાઓ અને બિયારણની ખરીદી કરવી નહીં.

ખેડૂત આ બાબતોનું રાખે ધ્યાન

ત્રણેય ઇનપુટના વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર, પૂરુંનામ, સરનામું તથા સહીવાળા બિલમાં ઉત્પાદકનું નામ, લોટ નંબર/ બેન્ચ નંબર, ઉત્પાદન તારીખ અને મુદત પૂરી થયાની તારીખ વગેરે તમામ વિગતો દર્શાવતું પાકું બિલ મેળવી લેવું. ખાતરની થેલી/ બારદાન ઉપર યથા પ્રસંગ ફર્ટિલાઇઝર, બાયોફર્ટિલાઇઝર, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, અથવા તો નોન-એડીબલ-ડી ઓઈલ્ડ કેક ફર્ટિલાઇઝર એવો શબ્દ ન લખેલો હોય તેવી થેલીમાં ભરેલ પદાર્થ ખરેખર ખાતરને બદલે કોઈ ભળતો પદાર્થ હોઈ શકે તો આવા પદાર્થોની ખાતર તરીકે ખરીદી ન કરવી. લેભાગુ તત્વો દ્વારા ભળતા નામ/ પેકિંગથી લોભામણી સ્કીમો આપી પાકુ બિલ આપ્યા વગર ખાતર/ દવા/ બિયારણનું વેચાણ કરે તો તેની ખરીદી ન કરવા તથા આવા લેભાગુ તત્વો બાબતે તેની જાણ નજીકની ખેતીવાડી શાખા/ લગત ખેતી અધિકારીશ્રી/ નાયબ ખેતી નિયામક(વિ)ની કચેરી, સુરેન્દ્રનગરને જાણ કરવા વધુમાં યાદીમાં જણાવ્યું છે.

  • Follow us on: