કૃષિમાં વધતાં જતાં જંતુનાશકોના વપરાશને કારણે ખેત પેદાશોમાં આવતા જંતુનાશકોના નિવારવાના પગલાં માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
જંતુનાશકો કે જેની વિઘટનની પ્રક્રિયા ધીમી હોય
જે અનુસાર, જે જંતુનાશકો કે જેની વિઘટનની પ્રક્રિયા ધીમી હોય, લાંબા સમય સુધી વાતાવરણમાં જળવાઈ રહેતા હોય અથવા ચરબીમાં દ્રાવ્ય હોય અને જૈવિક વિસ્તૃતીકરણની પ્રક્રિયાથી શરીરમાં જમા થાય છે તેના ઉપયોગ પર સરકાર તરફથી પ્રતિબંધ મૂકવામાં આવે છે અથવા તો તેને નિયંત્રિત વપરાશ હેઠળ મૂકવામાં આવે છે. આવા જંતુનાશકોનો વપરાશ બિલકુલ કરવો જોઈએ નહી.
કૃષિ પેદાશોમાં જંતુનાશકોના અવશેષોની માત્રા વધારે છે
પાક સંરક્ષણ રસાયણોની નોંધણી માટેની સંસ્થા દ્વારા જે તે પાક ઉપર જે તે રસાયણોની માત્રાની ભલામણ વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા લેવામાં આવેલ અખતરાઓના પરિણામો દ્વારા નકકી કરવામાં આવે છે. આ ભલામણ કરેલ માત્રાનું ચુસ્તપણેપાલન કરવું જોઈએ. વધુ પડતું પ્રમાણ અને વધુ પડતો છંટકાવ જીવાતમાં પ્રતિકારકતા કેળવતું હોઇ ખેડૂતોને વધારે પ્રમાણનો ઉપયોગ કરવાની ફરજ પડે છે, જે આર્થિક રીતે નુકસાનકારક છે. સાથેસાથે જે તે કૃષિ પેદાશોમાં જંતુનાશકોના અવશેષોની માત્રા વધારે છે.
શાકભાજી ધોવા માટે સોડીયમ બાયકાર્બોનેટ (ખાવાનો સોડા)નો પણ ઉપયોગ કરી શકાય
ખેતીપાકો/ શાકભાજી/ ફળપાકો/ મસાલાપાકોમાં યુનિવર્સીટીની ભલામણ મુજબ જ જે તે પાકોના જે તે રોગ-જીવાત માટે જે દવાની ભલામણ કરવામાં છે તેનો જ ઉપયોગ કરવો તથા સંકલિત જીવાત વ્યવસ્થાપનના પગલાં લેવા. વધુમાં, શાકભાજીને ઉપયોગમાં લેતાં પહેલાં સ્વચ્છ પાણીથી ધોવા જોઈએ કારણ કે, શાકભાજીને સ્વચ્છ પાણીથી ધોવાથી જંતુનાશકોના અવશેષો ઓછા થાય છે. શાકભાજીને પાણીથી ધોવાથી અવશેષો ઓછા થવાનું પ્રમાણ ખરબચડી સપાટીવાળા કરતા સુંવાળી સપાટીવાળા શાકભાજીમાં વધુ હોય છે જયારે શોષક (સિસ્ટેમેટીક) પ્રકારની જંતુનાશકો કરતાં સ્પર્શક (કોન્ટેકટ) જંતુનાશકોમાં વધુ હોય છે. શાકભાજી ધોવા માટે સોડીયમ બાયકાર્બોનેટ (ખાવાનો સોડા)નો પણ ઉપયોગ કરી શકાય.
ઈન્ડોક્ઝાકાર્બ અને નોવાલ્યૂરોન જેવા કૃષિ રસાયણોનો ઉપયોગ કરવો
શાકભાજી, ફળ ફળાદી અને અનાજ વગેરેમાં જંતુનાશક રસાયણોની મહત્તમ અવશેષ માત્રા (એમ.આર.એલ) કેટલી હોવી જોઈએ તે ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇજેશન (એફ.એ.ઓ.) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્વારા નક્કી કરવામાં આવે છે કે અવશેષોની માત્રા એમ.આર.એલ. કરતા વધુ હોય તો તે નુકસાનકારક સાબિત થાય છે. તેથી વિવિધ ખેત પેદાશોમાં જુદા જુદા જંતુનાશકના છંટકાવ કરી છંટકાવ અને ઉતાર વચ્ચેનો સમયગાળો નકકી કરવામાં આવે છે. જેને વેઈટીંગ પીરીયડ કહે છે. આ વેઈટીંગ પીરીયડ પહેલાં ખેતપેદાશો ઉતારવા કે વીણી કરવી નહિ. શકય હોય ત્યાં જલ્દીથી વિઘટન પામતા કૃષિ રસાયણો જેવા કે એમામેક્ટિન બન્ઝોએટ, સ્પિનોસાડ, ઈન્ડોક્ઝાકાર્બ અને નોવાલ્યૂરોન જેવા કૃષિ રસાયણોનો ઉપયોગ કરવો.
ખડા વગેરેનો ઉપયોગ કરી જંતુનાશકોનો વપરાશ ઘટાડી શકાય
સંકલિત જીવાત વ્યવસ્થાપનનો ઉપયોગ કરવાથી જંતુનાશકોનો વપરાશ ઘટતા જંતુનાશકોના અવશેષોના પ્રશ્નો હળવા કરી શકાય છે. દા.ત. ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી, જમીન તપવાથી કોશેટા, જીવાણુ તથા ફૂગનો નાશ થાય છે. જેથી જંતુનાશકોનો વપરાશ ઘટે છે. રોગ જીવાત પ્રતિકારક જાતોનો ઉપયોગ કરવાથી, વનસ્પતિયુકત જંતુનાશકો, પરજીવી અને પરભક્ષી કિટકો, એનપીવી., પ્રકાશ પિંજર, ફેરોમોન ટ્રેપ, ફળમાખી પિંજર, પીળા ચીકણા પિંજર, પિંજરપાક, કીટકભક્ષી પક્ષીઓને બેસવા માટેના બેલી- ખડા વગેરેનો ઉપયોગ કરી જંતુનાશકોનો વપરાશ ઘટાડી શકાય.
ઈમીડાકલોપ્રીડ કીટકનાશક ઊધઈ નિયંત્રણ માટે અસરકારક અને દુર્ગંધ વગરની છે
જે તે પાક પર યોગ્ય જંતુનાશકનો છંટકાવ તેની ભલામણ કરેલ માત્રામાં જ તથા જીવાતની ક્ષમ્યમાત્રા ઓળંગ્યા બાદ જ કરવો. ઘરમાં મચ્છર, માખી, વંદા, ઊંઘઈ, ઉંદર વગેરેના નિયંત્રણ માટે જંતુનાશકો વાપરતી વેળા યોગ્ય કાળજી લેવામાં ન આવે તો જંતુનાશકો અનાજ, પાણી, લોટ વગેરેમાં ભળી જાય છે અને તેના અવશેષો આપણા શરીરમાં પ્રવેશે છે. ઘરગથ્થુ જીવાતોનું નિયંત્રણ કરતી વખતે જંતુનાશકો છાંટયા પહેલાં પાણીના વાસણો, અનાજના પીપ, અનાજની ગુણો વગેરે કાપડ અથવા પ્લાસ્ટિકથી ઢાંકી દેવા જોઈએ. મકાનમાં ઊંઘઈ નિયંત્રણ માટે કલોરપાયરીફોસનો ઉપયોગ થાય છે પરંતુ આનુ વિઘટન જલદીથી થતું નથી. હાલમાં નિયોનીકોટીનોઈડ જૂથની ઈમીડાકલોપ્રીડ કીટકનાશક ઊધઈ નિયંત્રણ માટે અસરકારક અને દુર્ગંધ વગરની છે. અને અવશેષોના પ્રશ્ન ઓછા આવે છે.
ધૂમકરનો ઉપયોગ કરવાથી તેના અવશેષો અનાજમાં આવશે નહિ
જો અનાજમાં ભેજ વધુ હોય તો સૂર્ય પ્રકાશમાં અનાજ સુકવ્યા પછી જ તેના સંગ્રહ માટે હવાચૂસ્ત પીપનો ઉપયોગ કરવો કે જેથી કીટકો તેમાં પ્રવેશી શકે નહિ. આ ઉપરાંત ઘઉં જેવા અનાજને દિવેલનો પટ આપીને સંગ્રહ કરવામાં આવે તો કીટકોનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે. બાજરી જેવા અનાજમાં રાખ અથવા લીમડાના પાન ભેળવવામાં આવે છે. આ બધી કાળજી રાખવા છતાં જો કીટકો પડે તો ધૂમકરનો ઉપયોગ કરવાથી તેના અવશેષો અનાજમાં આવશે નહિ.
જંતુનાશકોનું પ્રમાણ વધારવાની જરૂર નહિ પડે અને અવશેષોના પ્રશ્નો ઘટશે
શાકભાજીના પાકોમાં વીણી કર્યા પછી જ જંતુનાશકોનો છંટકાવ કરવો તથા ફળ પાકતી અવસ્થાએ જંતુનાશકોનો વપરાશ ટાળવાથી ઉપભોક્તા માટે જંતુનાશકોના અવશેષોના પ્રશ્નો નિવારી શકાય છે. એકના એક જંતુનાશકોનો વારંવાર ઉપયોગ ન કરતાં જુદા જુદા જંતુનાશકોનો ઉપયોગ કરવો તથા એક જ જૂથના જંતુનાશકોનો ત્રણ થી વધારે છંટકાવ કરવો નહિ. આમ કરવાથી જીવાતોમાં જે તે જંતુનાશકો સામે પ્રતિકારક શકિત પેદા થશે નહિ તેના કારણે જંતુનાશકોનું પ્રમાણ વધારવાની જરૂર નહિ પડે અને અવશેષોના પ્રશ્નો ઘટશે.
મદદનીશ ખેતી નિયામકની પણ મદદ લઈ શકાશે
વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી માટે જે તે વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) અને નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવાં યાદીમાં જણાવાયું છે.