તદ્દન નજીવા ખર્ચે થતી પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ એ વિકલ્પ તરીકે ઉભરી આવેલ છે. રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ખેડૂતો માટે વિવિધ સહાય સહિત અનેક પ્રયાસો હાથ ધરાયા છે.


પ્રાકૃતિક કૃષિને લઈ ખેડૂતોને સરકાર કરે છે સહાય

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામના ખેડૂત બેચરભાઈ પટેલ છેલ્લા ચાર વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેઓ જણાવે છે કે તેમણે દેશી ગાય નિભાવ ખર્ચ યોજના હેઠળ સરકાર તરફથી સહાય પણ મેળવી છે. ચાલુ વર્ષે તેમણે પોતાના ખેતરમાં મગફળી, એરંડા, બાજરી તેમજ ઘઉંની ખેતી કરીને સારું એવું ઉત્પાદન પણ મેળવ્યું છે. તેમણે વાવેતર પાછળ કુલ રૂ. ૩૩,૦૦૦/ નો ખર્ચ થયો હતો આ ખર્ચની સામે તેમણે રૂ. ૧,૧૩,૦૦૦/નો ચોખ્ખો નફો મેળવ્યો છે.

ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ

તેઓ પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત આચ્છાદન, દશપર્ની અર્ક, નિમાસ્ત્ર અને ખાટી છાસના ઉપયોગ થકી ખેતી કરે છે. આ પદ્ધતિને આધારે તેઓ જમીનનું આરોગ્ય જાળવીને ગુણવત્તાવાળી ઉપજ પણ મેળવે છે. આ સાથે જિલ્લાના અન્ય ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરે છે. તેઓ જણાવે છે કે, ભવિષ્ય બચાવવું હોય અને આવતી પેઢીને સુરક્ષિત રાખવી હોય તો દરેક ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ.


  • Follow us on: