ચાલુ રવિ સીઝન દરમિયાન રાયડાના ઊભા પાકમાં જોવા મળતા વિવિધ રોગો જેવા કે ભૂકી છારો, સફેદ ગેરુ અને થડના કોહવારાના અસરકારક નિયંત્રણ માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. રાયડામાં ભૂકી છારો રોગના ફેલાવાને રોકવા માટે ખેડૂતોએ પાક ૮૦ દિવસનો થાય તે પછી પિયત આપવાનું બંધ રાખવું જોઈએ.
રોગિષ્ટ છોડના અવશેષોને ભેગા કરી તેનો નાશ કરવો જોઈએ જેથી ચેપ આગળ ન વધે
રોગની શરૂઆત જણાય કે, તુરંત જ ગંધકની ભૂકી ૩૦૦ મેશ હેક્ટર દીઠ ૨૦ થી ૨૫ કિલોગ્રામ મુજબ છાંટવી. જો વધુ જરૂર જણાય તો ૧૫ દિવસ બાદ બીજો છંટકાવ કરવો. વૈકલ્પિક રીતે, દ્રાવ્ય ગંધક વેટેબલ સલ્ફર ૮૦% વે.પા. ૨૫ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઈ.સી. ૧૦ મિલી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી રોગ પર કાબૂ મેળવી શકાય છે. સફેદ ગેરુ, તળછારો અને પાનના ટપકાંના રોગ માટે મેન્કોઝેબ ૭૫% વે.પા. અથવા મેટાલેક્ષીલ એમ.ઝેડ ૭૨% વે.પા. ૨૭ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીનો છંટકાવ કરવાની સલાહ છે.
