બનાસકાંઠા જિલ્લામાં ફુડ વિભાગ દ્વારા દિવાળી પૂર્વે મીઠાઈ અને નમકીનના 102 નમુના લીધા હોવાનુ જણાવ્યુ છે.તો બીજી તરફ પામ ઓઈલ અને ફોરેનફેટની મદદથી ઘી બનાવી અને તેને બજારમાં શુધ્ધ ઘી તરીકે વેચાણ કરતી ફેક્ટરીઓ પર ફુડ અને આરોગ્ય વિભાગની જાણે રહેમનજર હોય અથવા સાંઠગાંઠ હોય તેમ હજુય આવુ ઘી ઉત્પાદન કરી રાજસ્થાન સહીતના રાજ્યોમાં મોટાપાયે વેચાણ કરવામાં આવી રહ્યાનુ કહેવાય છે. આવુ ઘી બનાવતા તત્વો હવે બેફામ બન્યા હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.ત્યારે કોની વગના જોરે આ તત્વો ફાલ્યા ફુલ્યા છે.તેની તપાસ કરી યોગ્ય પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી અને તેલમાંથી અને પામ ઓઈલ તથા ફોરન ફેટ અને એસેન્સનો ઉપયોગ કરી અને શુદ્ધ ઘીના નામે પેકીંગ કરી વેચાણ કરતા તત્વો સક્રીય બન્યા છે.તેના કારણે શુદ્ધ ઘીના ઉત્પાદકોને મુશ્કેલી પડી રહી છે.અને માર્કેટમાં ઓછા ભાવે પામ ઓઈલમાંથી અને ફોરન ફેટમાંથી બનાવેલુ ઘી વેચાણ કરી અને રાજસ્થાન સહીતના રાજ્યોમાં તેમજ ગામડાઓમાં વેચાણ કરવામાં આવી રહ્યાની રાવ ઉઠી છે.ત્યારે દિવાળીના તહેવાર દરમ્યાન આવા ઘીમાંથી બનાવેલ મીઠાઈઓ બનાવી અને બજારમાં વેચાઈ રહી છે.તેના કારણે આરોગ્ય સામે ખતરો પેદા થાય છે. આવી ફેક્ટરીના સંચાલકો પણ હવે કોઈપણ પ્રકારના ડર વિના જાણે ફુડ વિભાગ તેમના ખીસામાં હોય તેમ આવુ ઘી વેચાણ કરી રહ્યા હોવાનુ મનાય છે.વળી આવુ ઘી વેચાણ કરનાર શખ્સો જીએસટીની ચોરી પણ કરી સરકારનુ નુકશાન કરી રહ્યાનુ કહેવાય છે. દરમ્યાન દિવાળીના તહેવારોમાં આવા ઘીમાંથી બનાવેલી મીઠાઈઓ માર્કેટમાં વેચાણ કરવામાં આવતુ હોવાની શંકા આધારે ફુડ વિભાગ દ્વારા બજારમાંથી મીઠાઈ અને નમીનના 102 નમુના લઈ તપાસ અર્થે મોકલી આપ્યા છે.ત્યારે હજુ પણ પામ ઓઈલમાંથી ઘી બનાવતી ફેક્ટરીઓ ધમધમી રહ્યાનુ કહેવાય છે.ત્યારે આ અંગે તટસ્થ તપાસ થાય તો મોટા પ્રમાણમાં આવુ ઘી ઝડપાય તેમ માનવામાં આવી રહ્યુ છે.
