દિવસભરના વ્યસ્ત કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ, તેમણે ચાણપા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કર્યું હતું. રાજ્યના સર્વોચ્ચ પદ પર હોવા છતાં, સામાન્ય સુવિધાઓ વચ્ચે તેમનું આ સાદગીસભર રોકાણ સ્થાનિક ગ્રામજનો અને વહીવટી તંત્ર માટે આકર્ષણ અને પ્રેરણાનું કેન્દ્ર બન્યું હતું.
ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતીના માર્ગે વળવા આહવાન કર્યું રાજયપાલે
પ્રવાસના બીજા તબક્કે રાજ્યપાલ ભીમગઢ ગામે મનસુખભાઈ ગોહિલના 'શ્રી રામદેવકૃપા પ્રાકૃતિક ખેતી મોડલ ફાર્મ'ની મુલાકાતે પહોંચ્યા હતા. પ્રાકૃતિક ખેતીના હિમાયતી એવા રાજ્યપાલે અહીં માત્ર મુલાકાત જ નહોતી લીધી, પરંતુ સ્વયં ખેતીકાર્યોમાં સહભાગી થયા હતા. રાજ્યપાલે ગાયનું દોહન કર્યું હતું અને ખેતરમાં હળ ચલાવીને શ્રમનું મહત્વ સમજાવ્યું હતું. આ ઉપરાંત તેમણે ખેતરમાં લહેરાતા ટામેટા, પાલક, ઘઉં, ધાણા, મેથી, સૂર્યમુખી અને પપૈયા જેવા વિવિધ પાકોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. મનસુખભાઈ દ્વારા અપનાવવામાં આવેલી રાસાયણિક મુક્ત ખેતી પદ્ધતિ જોઈ રાજ્યપાલે સંતોષ વ્યક્ત કર્યો હતો અને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતીના માર્ગે વળવા આહવાન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેક્ટર કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.













