પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ અપનાવીને સીતાફળની ખેતી ખેડૂતો માટે આવક વધારવાનો અને પર્યાવરણનું સંરક્ષણ કરવાનો ઉત્તમ માર્ગ બની રહી છે. ઓછા પાણીમાં અને ઓછા ખર્ચે ઉગતા સીતાફળ પાકમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ ખાસ અસરકારક સાબિત થઈ રહી છે. સીતાફળ મીઠા ફળ આપનારું નાના પ્રકારનું વૃક્ષ છે.
સીતાફળના પર્ણમાં અકોરીન, એનોનીન જેવા ઔષધીયુક્ત તત્વો
સંસ્કૃત ભાષામાં તેના જુદા જુદા નામ છે જેમ કે સીતાફળ, વૈદેહી વલ્લભ, બીજક, બહુબીજક, ગંડ ગાત્ર વગેરે. તે બહુ જ થોડા વર્ષોમાં વધી જતું વૃક્ષ છે. તેની એક વિશેષતા એ પણ છે કે તે વરસાદના પાણીથી અત્યંત મધુર અને સ્વાદિષ્ટ બને છે, જ્યારે કૃત્રિમ સિંચાઈથી તેનો સ્વાદ એટલો મધુર થતો નથી. સીતાફળ કોઈ પણ પ્રકારની જમીનમાં થતું ફળ ઝાડ છે. સીતાફળ સ્વાદિષ્ટ મધુર તેમજ ઔષધીયુક્ત ફળ પણ છે. આ શિતકારક, પિતનાશક, બળવર્ઘક, શુક્રવર્ધક, વ્રણનાશક તેમજ રેચક છે. આયુર્વેદના ગ્રંથોમાં તેને હૃદયની બીમારી માટે અતી ઉત્તમ દર્શાવવામાં આવ્યું છે. સીતાફળના પર્ણમાં અકોરીન, એનોનીન જેવા ઔષધીયુક્ત તત્વો છે જેનાથી બ્રહ્માસ્ત્ર, દસપર્ણી અર્ક, નિમાસ્ત્ર જેવા કીટનાશક દવાઓ બનાવવામાં આવે છે.
સાથે સીતાફળના બીજમાં 30% તેલ હોય છે, જેમાંથી સાબુ બને છે. તેના તેલનો ઉપયોગ કીટનાશક દવા બનાવવા માટે પણ થાય છે અને બીજમાંથી બનેલા ખોડમાં 40% નાઇટ્રોજન હોવાથી તેનો ઉપયોગ ખેતીમાં સેન્દ્રીય ખાતરના રૂપમાં પણ થાય છે. સીતાફળને આમલી, આંબા અથવા આમળાની વચ્ચે આંતરપાકના રૂપમાં વાવી શકીએ. દર બે આંબલી કે બે આંબાની વચ્ચે 36 ફૂટ અંતર રાખી દરેક વૃક્ષ વચ્ચે સીતાફળનું વાવેતર કરી શકાય છે. સીતાફળનો પલ્પ ખાઈને તેના બીજ સુકવી ઓછામાં ઓછા ત્રણ મહિના પછી વાવવા માટે ઉપયોગમાં લેવાના છે, કારણકે ફળમાંથી બીજ કાઢ્યા પછી તે બીજ ત્રણ મહિના સુધી સુસુપ્ત અવસ્થામાં ચાલ્યા જાય છે.
બીજ વાવતા પહેલા બીજને 48થી 72 કલાક સુધી બીજામૃતમાં પલાળી રાખો
સીતાફળના બીજ ઓક્ટોબર નવેમ્બરમાં કાઢવામાં આવેલ હોય તો તેને જૂનમાં વાવી શકીએ છીએ. બીજ વાવતા પહેલા બીજને 48થી 72 કલાક સુધી બીજામૃતમાં પલાળી રાખો. જ્યાં પણ જે ફળઝાડ લગાવવાનું છે ત્યાં દોઢ ફૂટ ઊંડો દોઢ ફૂટ પહોળો અને દોઢ ફૂટ લાંબો ખાડો બનાવો ખાડાની જે માટે નીકળે તેના અડધા પ્રમાણમાં ચાળેલું છાણ્યું ખાતર અને ચોથા ભાગનું ઘન જીવામૃત મેળવીને મિશ્રણ તૈયાર કરો અને તેનાથી ખાડો ભરી દો ઉપરથી જીવામૃત છાંટો અને તેની ઉપર થોડા સૂકા ઘાસનું આચ્છાદન કરો. વરસાદ દ્વારા અથવા તો ઉપરથી પાણી છંટકાવ કરવાથી થોડા દિવસ પછી અંકુરણ થશે અંકુરણ થયા પછી આચ્છાદન હટાવી દો હવે 100 લિટર પાણીમાં 5 લિટર કપડાથી ગાળેલ જીવામૃત ભેળવીને છોડ ઉપર મહિનામાં બે વખત છંટકાવ કરો અને છોડવાની પાસે થોડું થોડું જીવામૃત જમીન ઉપર મહિનામાં બે વખત નાખતા રહો.
શરૂઆતના ત્રણ મહિના સુધી નિંદામણ કાઢતા રહો
જે દિવસે સીતાફળના બીજ વાવો તે જ દિવસે સીતાફળથી બે ફૂટ ના અંતરે ચોળાના બીજ વાવો, શરૂઆતના ત્રણ મહિના સુધી નિંદામણ કાઢતા રહો અને આખા પ્લોટમાં જ્યાં પણ ખાલી જગ્યા હોય ત્યાં શાકભાજીના બીજ વાવી દો જેનો આચ્છાદનના રૂપમાં ઉપયોગ કરો. સીતાફળના ફૂલની કળીનો પૂરો વિકાસ થવા માટે 35 દિવસ લાગે છે. મોટાભાગે ફુલ જૂન જુલાઈમાં નીકળતા હોય છે અને ચારથી પાંચ મહિનામાં એટલે કે સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીમાં સીતાફળ પણ બનીને તૈયાર થઈ જાય છે. આખા વર્ષ દરમિયાન મહિનામાં ઓછામાં ઓછા એક વખત પ્રતિ એકર 200 લિટર પાણીમાં કપડાથી ગાળેલું 20 લિટર જીવામૃત મેળવીને સીતાફળના ઝાડ ઉપર છંટકાવ કરો સીતાફળ ઉપર હલકો છાયો આપવા વાળા કોઈ વૃક્ષની જરૂર રહે છે જેના માટે સરગવો બહુ જ ઉપયોગી છે. સીતાફળની છાલ ઉપર ભીંગડા બને છે, અને તે ઉપર વધવા લાગે છે એકબીજાથી અલગ અલગ થવા લાગે, દરેક બે ભીંગડા વચ્ચે તિરાડ થવા લાગે અને ભીંગડાનો નીચેનો ભાગ સફેદ સાથે પીળો પડી જાય અને પીળા લાગતા ફળો ઘેરા લીલા રંગમાંથી બદલાઈને લીલામાંથી આછા લીલા રંગમાં રૂપાંતરિત થઈ જાય એટલે સમજવું કે ફળ ઉતારવાનો સમય થઈ ગયો છે.
પ્રાકૃતિક પદ્ધતિથી સીતાફળનું ઉત્પાદન કરવાથી ખર્ચમાં ઘટાડો થાય છે
આવી સ્થિતિ નવેમ્બર સુધીમાં આવી જાય છે. સીતાફળના વૃક્ષ પર મીલીબગ, સફેદ માખી, નેમેટોડ, રૂટનોટ નેમેટોડ જેવા કીટક હાનિ પહોંચાડે છે. જેનું નિયંત્રણ કરવા નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્ન્યસ્ત્રનો છંટકાવ કરવો જોઈએ સુત્રકૃમિના નિયંત્રણ માટે ગલગોટા લગાવવા જરૂરી છે જેના મૂળમાં અફલાટર્ફોનાઇલ નામનો આલ્કલાઇન તૈયાર થાય છે જે સૂત્ર કૃમિના નિયંત્રક કરે છે. ફળ તેમજ પાન ઉપર જે રોગો આવે છે તેનું નિયંત્રણ જીવામૃત નો છંટકાવ, આચ્છાદન તેમજ ખાટી છાશ અને સુઠાસ્ત્રના છંટકાવથી સારી રીતે થઈ જાય છે. પ્રાકૃતિક પદ્ધતિથી સીતાફળનું ઉત્પાદન કરવાથી ખર્ચમાં ઘટાડો થાય છે અને બજારમાં ગુણવત્તાસભર ફળને સારો ભાવ મળતા ખેડૂતોની આવકમાં વધારો થાય છે. સાથે જ જમીન અને પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે છે.
આ પણ વાંચો : Agriculture News: પશુપાકોએ માત્ર વાછરડી આપતી સેક્સ્ડ સિમન ટેકનોલોજી અપનાવી