- નારણ રાઠવા અને સંગ્રામ રાઠવા ભાજપમાં જોડાયા
- UPA સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકયા છે નારણ રાઠવા
- જનતાદળ સાથે જોડાઈને રાજકારણની શરૂઆત કરી હતી
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં દિગ્ગજ આદિવાસી નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાયા છે. નારણ રાઠવા અને સંગ્રામ રાઠવા ભાજપમાં જોડાયા છે. UPA સરકારમાં નારણ રાઠવા કેન્દ્રીય મંત્રી રહી ચૂકયા છે.
કયા પક્ષમાં જોડાવું એ મારી મરજીની વાત: નારણ રાઠવા
નારણ રાઠવા ગાંધીનગર કમલમ પહોંચ્યા છે. જેમાં નારણ રાઠવાએ જણાવ્યું છે કે લોકોની સેવા કરવા માટે નિર્ણય લીધો છે. પાર્ટી સામે અમારી કોઈ નારાજગી નથી. કયા પક્ષમાં જોડાવું એ મારી મરજીની વાત છે.
મારી પૂરી તાકાત, અનુભવ ભાજપ માટે વાપરીશ: સંગ્રામ રાઠવા
સંગ્રામ રાઠવાએ જણાવ્યું છેકે હું મારી પૂરી તાકાત, અનુભવ ભાજપ માટે વાપરીશ. ભાજપની વિકાસયાત્રામાં જોડાવા હું આવ્યો છુ. કોંગ્રેસથી કોઇ નારાજગી નથી. રાજનીતિ સાથે જોડાવા ભાજપમાં આવ્યા છીએ તેમજ કાર્યકરોનું સંગઠન સૌથી મોટી શક્તિ છે.
નારણ રાઠવાએ 1990થી જનતાદળ સાથે જોડાઈને રાજકારણની શરૂઆત કરી
નારણ રાઠવાએ 1990થી જનતાદળ સાથે જોડાઈને રાજકારણની શરૂઆત કરી હતી અને વી.પી. સિંહ સરકારમાં પ્રથમ વખત કોંગ્રસના સાંસદ અમરસિંહ રાઠવાને હરાવીને નારણ રાઠવા સાંસદ બન્યા હતા. ત્યારબાદ ફરીથી 1995 માં કોંગ્રેસમાં જોડાઈને ભાજપના ભીખુભાઈ રાઠવાને હરાવી બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1999 માં મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપના રામસિંહ રાઠવા સામે તેઓની હાર થઈ હતી.
રાજયસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા
2004 માં ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાતા તેઓને મનમોહનસિંહ સરકારમાં રેલ રાજ્યમંત્રી તરીકે પદભાર સાંભળવાની જવાબદારી મળી હતી. 2009 અને 2014 માં તેઓની રામસિંહ રાઠવા સામે હાર થઈ હતી. નારણ રાઠવા કોંગ્રેસના અહેમદ પટેલની ખૂબ નજીકના ગણવામાં આવતા હતા અને તેનો લાભ તેઓને વર્ષ 2018 માં મળ્યો હતો અને રાજયસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.









