• રાજકોટ અગ્નિકાંડમાં 26 નિર્દોષોના મોતથી હાહાકાર
  • અમદાવાદના તમામ ગેમિંગ ઝોનમાં કરશે તપાસ 
  • અમદાવાદના ફન બ્લાસ્ટ ગેમિંગ ઝોનમાં ચેકિંગ કરાયું 

રાજકોટમાં સર્જાયેલ TRP ગેમ ઝોન કરુણાંતિકામાં 9 બાળકો સહિત કુલ 26 લોકોના મોત થયા છે તો આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર જાગૃત થઈ ગયું છે અને તમામ શહેરોમાં આવેલ ફન ઝોન અને ગેમ ઝોનમાં તપાસ હાથ ધરી છે. તો અમદાવાદમાં પણ ફાય વિભાગ દ્વારા તપાસ તેજ કરી દેવામાં આવી છે.


મળતી માહિતી મુજબ, રાજકોટ કરુણાંતિકા બાદ અમદાવાદ ફાયરબ્રિગેડના સિનિયર અધિકારીઓ તેમજ DYMC દ્વારા અમદાવાદના એસજી હાઇવે પર આવેલ ફન બ્લાસ્ટ ગેમિંગ ઝોન ખાતે તપાસ શરૂ કરી હતી. ફન બ્લાસ્ટ ગેમિંગ ઝોનમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થાઓને લઈને અધિકારીઓએ ચકાસણી કરવામાં આવી હતી. ગેમ ઝોનમાં લાગેલા ફાયર એક્સ્ટિંગ્યુસર પર સવાલ ઉઠતા અધિકારીએ ફાયર એક્ટિંગ્યુંસરની ચકાસણી કરી હતી.


તો વધુમાં જાણવા મળી રહ્યું છે કે અમદાવાદ શહેરના તમામ ગેમિંગ ઝોનમાં આવતીકાલે ચેકીંગ હાથ ધરવામાં આવશે. ફાયર સેફટીને લઈને જો ક્યાંય પણ કચાસ જોવા મળશે તો તુરંત કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવશે. તો DYMC વિપુલ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદ શહેરમાં કુલ 10 ગેમ ઝોન આવેલા છે અને આવતીકાલે તમામ ગેમ ઝોનમાં ફાયર સેફટીને લઈને તપાસ કરવામાં આવશે.

જામનગરના તમામ ગેમઝોન બંધ કરાયા

રાજકોટ ગેમ ઝોન કરુણાંતિકા બાદ બાદ જામનગરનું વહીવટી તંત્ર પણ જાગ્યુ છે. જામનગરમા આવેલ તમામ ગેમઝોન અને ઇલેક્ટ્રિક રાઈડ બંધ કરાવવામાં આવી છે. સરકારની સૂચના અનુસાર જામનગરમાં કોર્પોરેશનની એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં ચાલતા તમામ ગેમઝોન સરકારની સૂચના અનુસાર યોગ્ય તપાસ કર્યા બાદ ચાલુ કરવામા આવશે.

ગાંધીનગરના 17 ગેમઝોનની થશે તપાસ

રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર હરકતમાં આવી ગયું છે અને રાજ્યના તમામ ગેમઝોનની તપાસના આદેશો આપવામાં આવ્યા છે. તો ગાંધીનગરમા 17 ગેમ ઝોન ચાલી રહ્યા છે. આ તમામ ઝોનમા તપાસ માટે ટીમો તૈયાર કરાઈ છે. મનપાની રહેમનજરથી ચાલતા એકમો પાસે લાયસન્સ છે કે નહી એનાથી તંત્ર અજાણ હોવાનું સામે આવ્યું છે.

આવતીકાલથી વડોદરાના ગેમઝોનનું થશે ચેકિંગ 

રાજકોટની ઘટના બાદ વડોદરા ફાયર બ્રિગેડ પણ એક્શનમાં આવી ગયું છે. આવતીકાલથી વડોદરાની તમામ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવશે. ફાયર બ્રિગેન્ડની બે ટીમો દ્વારા કામે લાગશે અને શહેરમાં ચાલતા સહિતના વિવિધ એકમોનું ચેકિંગ કરશે. 

ભાવનગરમાં પણ બંધ કરાયા ગેમ ઝોન 

રાજકોટ અગ્નિકાંડ બાદ ભાવનગરનું વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. ભાવનગર મહાનગરપાલિકા કમિશનર દ્વારા શહેરમાં ચાલતા ગેમ ઝોનની વિઝીટ કરવામાં આવી હતી. શહેરના ટોપ 3 તેમજ ઇસ્કોન અને એન્ટરટેઇનમેન્ટ પાર્ક તેમજ વરતેજમાં ચાલતા ફન પાર્કની મુલાકાત કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં ચાલતા તમામ ગેમ ઝોન બંધ કરાવવામાં આવ્યા હતા. 

જૂનાગઢના તમામ ગેમઝોન બંધ કરાવતું વહીવટી તંત્ર 

રાજકોટની ઘટના બાદ જૂનાગઢનું વહીવટી તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે અને શહેરના તમામ ગેમ ઝોન બંધ કરાવવામાં આવ્યા હતા. ભવનાથ ગ્રાઉન્ડમાં પણ તમામ રાઈડ્ઝ બંધ કરાવવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે. ટીમો દ્વારા તમામ ગેમઝોનની ચકાસણી  કરવામાં આવશે. ફાયર સેફ્ટી તેમજ ઇલેક્ટ્રિક કનેક્શનને લઈને ચેકીંગ કરવામાં આવશે. સૂરજ ફનવર્લ્ડને ફાયર સેફ્ટી મુદ્દે સર્ટિફિકેટ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે તો જુનાગઢ જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં પણ સૂચનાઓ આપવામાં આવી છે. 

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક 26 થયો 

રાજકોટમાં આજે વધુ એક આગની ઘટના બની. મળતી માહિતી મુજબ, રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ લાગી. આગ એટલી ભીષણ છે કે 2 થી 3 કિલોમીટર દૂરથી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. કાલાવડ રોડ પર ગેમઝોનમાં આગથી અફરાતફરી મચી ગઈ છે. ગેમઝોનમાં લાગેલી આગને પગલે ફાયર વિભાગની 10 જેટલી ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ અગ્નિકાંડમાં અત્યારસુધીમાં 24 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી તો હવે આ મૃત્યુઆંક વધીને 26 થઈ ગયો છે. તો હજુ મોતનો આંકડો વધી શકે છે. આગમાં મોટાભાગના બાળકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. 

રાજકોટના તમામ ગેમ ઝોનમાં કરાશે તપાસ 

તો, રાજકોટમાં TRP મોલમાં આવેલ ગેમ ઝોનમાં લાગેલ આગને પગલે ગુજરાત સરકાર દ્વારા SITની રચના કરી છે અને આ મામલે ઉચ્ચસ્તરીય તપાસના આદેશો આપવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સહાયની જાહેરાત કરતાં શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ મૃતકના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

રાજકોટ સિવિલમાં સર્જાયા કરૂણ દ્રશ્યો

રાજકોટ ગેમ ઝોન અગ્નિ કાંડમાં મોતને ભેટેલા લોકોના મૃતદેહો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. તમામ મૃતદેહો ઓળખી ન શકાય એટલી હદે બળી ગયા છે. તો, હવે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરૂણ દ્રશ્યો સર્જાયા છે. સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં એક પણ મૃતદેહ મૂકવાની જગ્યા નથી રહી. એક તરફ મૃતકોના પરિજનો હોસ્પિટલ બહાર પોતાના સ્વજનોના મૃતદેહો મળવાની રાહ જોતાં આક્રંદ કરી રહ્યા છે તો બીજી બાજુ પીએમ રૂમમાં પોસ્ટમોર્ટમ માટે જગ્યા નથી રહી. સ્થિતિ એટલી હદે ખરાબ છે કે ઘણા મૃતદેહો હોસ્પિટલની બહાર રખાયા છે. 2 કલાકથી વધુ સમયથી મૃતદેહ બહાર રાખવા પડ્યા હતા.

રાજકોટ અગ્નિકાંડના મૃતકોના થશે DNA ટેસ્ટ

રાજકોટ TRP ગેમ ઝોન કરુણાંતિકામાં 24 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તો તમામ 24 લોકોના મૃતદેહોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. મૃતકોના શરીર એટલી હદે બળીને ખાખ થઈ ગયા છે કે તેમની ઓળખ કરવી પણ અશક્ય છે. મૃતકોની ઓળખ કરવા માટે તમામ મૃતદેહોના DNA ટેસ્ટ કરવામાં આવશે.


  • Follow us on: