- મેચને લઇને મેટ્રો રાત્રીના 1.30 વાગ્યે સુધી ચાલુ રહેશે
- 31 માર્ચે IPLની પ્રથમ મેચ
- ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો
ઇન્ડિયન પ્રીમીયર લીગ (IPL) 2023ની પ્રથમ મેચ 31મી માર્ચને શુક્રવારના રોજ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદમાં લીગની 7 મેચ રમાશે. જે દિવસોએ મેચ રાત્રે 7.30થી શરૂ થશે એ દિવસોએ દર્શકોને ઘરે પરત જવા સુવિધા મળે તે માટે મેટ્રો ટ્રેન સેવા રાત્રે 1.30 વાગ્યા સુધી શરૂ રહેશે. પ્રથમ મેચ માટે લોકોના સ્ટેડિયમમાં પ્રવેશ માટે બપોરે 3 કલાકે ગેટ ખુલ્લો મૂકાશે.
IPLની મેચ પહેલા કાળા બજારીઓ બેફામ

તો બીજીબાજુ આઇપીએલની મેચ પહેલાં બેફામ કાળાબજારી થઇ રહી છે. મોટેરા સ્ટેડિયમની બહાર ટિકિટોની કાળા બજારી થઇ રહી છે. 800 રૂપિયાવાળી ટિકિટના રૂપિયા 2000 થી 2500 લેવાઇ રહ્યા છે. સ્ટેડિયમની બહાર ખુલ્લે આમ બે શખ્સો કાળા બજારી કરી રહ્યા છે.
ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝ દ્વારા સ્ટેડિયમના ગેટ નંબર-1 અને ગેટ નંબર-2 પર ફેન ઝોન્સ ઊભા કરવામાં આવશે, જે દરેક વયના દર્શકો માટે વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરાશે. દિવ્યાંગ દર્શકોના પ્રવેશની વ્યવસ્થા ગેટ નંબર-2 પરથી કરાઈ છે. જોકે, તેમણે સાથે વ્હિલચેર સાથે લાવવાની રહેશે.
સ્ટેડિયમ સંકુલમાં વાહનોની પાર્કિંગની સમસ્યા ના થાય તે માટે 20 સ્થળોએ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે શો માય પાર્કિંગ - એપ પરથી પાર્કિંગ બુક કરી તેની ઈ-ટિકિટ મેળવી શકાશે.









