- જોય રાઇડ અચાનર બંધ થતાં એડવાન્સ બુકિંગના પૈસા પરત કર્યા
- લોકો રૂ.2000 માં અમદાવાદનો એરિયલ વ્યૂ માણતા હતા
- સીપ્લેન અગાઉ મેઈન્ટેન્સમાં ગયા બાદ તેને ફરીથી શરૂ નથી થયું
જ્યાં એક તરફ અમદાવાદનું રિવરફ્રન્ટ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. જ્યાં અગાઉ શરૂ થયેલું સીપ્લેન અગાઉ મેઈન્ટેન્સમાં ગયા બાદ તેને ફરીથી શરૂ કરવામાં આવ્યું નથી. તેના બાદ સીપ્લેન બંધ થવાની જાહેરાત કરાઈ. પરંતુ હવે સી પ્લેન બાદ વધુ હવે જોય રાઈડ પણ બંધ થવા જઈ રહી છે. રિવરફ્રન્ટ ઉપર શરૂ થયેલી જોય રાઇડનો કોન્ટ્રાકટ પૂર્ણ થયો છે. કોન્ટ્રાક્ટ રીન્યુ ન થતાં જોય રાઈડ બંધ કરાઈ છે.
ખાસ નોંધનીય છે કે, જોય રાઈડની વેકેશન હોવાથી અનેક લોકોએ એડવાન્સ બુકીંગ કરાવ્યુ હતું. ત્યારે અચાનક રાઈડ બંથ થઈ જતા કોન્ટ્રાક્ટરે લોકોને એડવાન્સ બુકીંગના પૈસા પાછા આપવા પડ્યા. હવે સ્થિતિ એવી છે કે, આ જોય રાઈડ કેવી રીતે શરૂ થાય છે અને તેમાં કેટલો સમય લાગશે તે AMC તંત્ર જ બતાવશે.
જોય રાઈડની સુવિધા શું હતી
હજી માંડ એક વર્ષ પણ જોય રાઈડને પૂર્ણ થયું નથી ત્યારે તેને બંધ કરવાનો નિર્ણય લેવાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે. અમદાવાદીઓ હવે રિવરફ્રન્ટ પર જઈને હેલિકોપ્ટરમાં બેસી આખા શહેરનો નજારો જોવાની મજા માણતા હતા. રિવરફ્રન્ટ વોટર એરોડ્રામની પાસે જ હેલી પેડ પણ બનાવી દેવામાં આવ્યું છે. જેમા લોકો બે હજાર રૂપિયાની ટિકિટમાં અમદાવાદનો એરિયલ વ્યૂ માણતા હતા. આ રાઈડ મોટાભાગે ફુલ જ રહેતી હતી. પરંતુ અચાનક કયા કારણોસર આ રાઈડ બંધ કરી દેવાઈ અને કોન્ટ્રાક્ટ કેમ રિન્યુ ન કરાયો તે હજી જાણવા મળ્યુ નથી.
સી-પ્લેન ક્યારે શરૂ થશે ?
ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન અમદાવાદમાં સી-પ્લેન સેવાનો મુદ્દો ઉછળ્યો છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ સી-પ્લેનને લઈ પ્રશ્ન પૂછ્યો છે, અર્જુન મોઢવાડિયાના સવાલનો સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે. સરકાર જવાબમાં જણાવ્યું કે, 2022માં અમદાવાદથી કેવડિયા સુધી સી-પ્લેન સેવા શરૂ થઈ હતી અને સી-પ્લેન ઓપરેશન મેઇન્ટેનન્સ મુશ્કેલી કારણે બંધ છે.









