અમદાવાદના ખોખરા વિસ્તારમાં કે. કા શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર આવેલી ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાને અસામાજીક તત્ત્વો દ્વારા ખંડિત કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા અને આરોપીઓની ધરપકડ કરવાની માગ સાથે ધરણા પર બેઠા હતાં. ઘટનાના બીજા દિવસે પણ પ્રતિમા પાસે ધરણા યથાવત છે.


[[$googlead]]

ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું

આજે 24 ડિસેમ્બરને મંગળવારે ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ટોળા દ્વારા ખોખરા વિસ્તારમાં રાધે મોલ બંધ કરવામાં આવ્યો છે. ઉગ્ર બનેલા રહીશોએ અત્યાર સુધીમાં 300થી વધુ દુકાનો બંધ કરાવી છે. સાથે જ રોડ પર મોટી સંખ્યામાં લોકો ઉતરી આવતા ટ્રાફિકજામ થતા રોડ ડાઈવર્ટ કરવાની ફરજ પડી હતી.

[[$alsoread]]

જયંતિ વકીલની ચાલીના સ્થાનિકોની માગ

• અમદાવાદ શહેરમાં જ્યાં પણ ડો. બાબા સાહેબ આંબેડકર અને મહાનુભાવોની પ્રતિમાઓ આવેલી છે, ત્યાં સીસીટીવી લગાવવામાં આવે.

• જ્યાં પણ આવા પ્રતિમાઓ લગાવવામાં આવેલી છે તે તમામ જગ્યાએ પોલીસ પોઇન્ટ મૂકવામાં આવે.

• ડો. બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરનાર આરોપીની જલ્દીથી ધરપકડ કરવામાં આવે.

• આરોપીનું કમિશનર ઓફિસ સુધી સરઘસ કાઢવામાં આવે.

1000 સીસીટીવી ચેક કરવામાં આવ્યા: DCP

ભાજપ-કોંગ્રેસ સહિતનાની રજૂઆત અને આવેદન બાદ ઝોન 5ના DCP બળદેવ દેસાઈએ તપાસની બાહેધરી આપતા જણાવ્યું કે, અમે એક હજારથી વધુ સીસીટીવી ફૂટેજ તપસ્યા છે. સીસીટીવીમાં અંધારું હોવાથી તપાસમાં થોડો સમય માંગી લે તેવું છે. અમેને કેટલીક કડીઓ મળી છે. જુદી-જુદી 20 ટીમ ગુનાના ડિટેક્શનમાં લાગી છે.

28મીએ આખા દેશમાં વિરોધ કરીશું: મેવાણી

આ અંગે જીગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, હાલ સંસદમાં આપેલા નિવેદનનો મામલો રોકાયો નથી, એ પહેલા આંબેડકરજીની પ્રતિમા તોડી પાડવામાં આવી છે. 28 ડિસેમ્બરે આખા દેશમાં વિરોધ કરવાની જાહેરાત થઈ છે, તેમાં અમે જોડાઈશું. રાજ્ય સરકારનું વર્તન દલિતો વિરુદ્ધનું છે.

ષડયંત્ર અને પ્લાનિંગથી આ કામ કર્યું: કોંગ્રેસ પ્રમુખ

કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું કે, ગઈકાલે મણીનગર વિધાનસભામાં ખોખરામાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે. કેટલાક અસામાજીક તત્વોએ શાંત વાતાવરણને ડહોળવાનું કૃત્ય કર્યું છે. રાતનાં અંધારામાં આ કૃત્ય કર્યું છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉશ્કેરાઈને રોડ પર ઉતર્યા છે.

ગઈકાલે પણ કોંગ્રેસનાં આગેવાનો ત્યાં પહોંચ્યા હતાં. ત્યાંના દૃશ્યો ખૂબ જ વિચલિત કરનારા હતા. ચોક્કસ કોઈક ષડયંત્ર અને પ્લાનિંગથી આ કામ કર્યું છે. આરોપીઓને વહેલામાં વહેલી તકે પકડીને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી છે. સ્થાનિક આગેવાનો સાથે પોલીસ CCTV ચેક કરી રહી છે. જે ષડયંત્ર હોય તેની તપાસ કરવામાં આવે. NIA દ્વારા તપાસ કરવામાં આવે.

ભાજપ-કોંગ્રેસની પોલીસ કમિશનરને રજૂઆત

ખોખરાની ઘટનાને લઈ ભાજપ-કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતાં. જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને AMC વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. તમામે તાત્કાલિક ધોરણે આરોપીઓની ધરપકડ થાય તે માટે કમિશનરને રજૂઆત કરી છે.

આ સાથે ભાજપના સાંસદ દિનેશ મકવાણા, શહેર પ્રમુખ અમિત શાહ સહિતના ધારાસભ્યોએ બાબાસાહેબની પ્રતિમા પુનઃ સ્થાપવા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. સાથે બન્ને પક્ષોએ આરોપીઓને જલ્દી પકડવાની માગ સાથે આવેદન આપ્યું છે.

  • Follow us on: