- મુલાકાતીઓેને સુવિધા મળે તે હેતુસર રૂટની પસંદગી
- વાસણાથી વાડજ ટર્મિનસ સુધીનો રૂટ, ઈલેક્ટ્રિક AC બસ મુકાશે
- આ બસ રૂટની સફળતાને પગલે બસની ફ્રીકવન્સી વધારવામાં આવશે
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા તા. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી સાબરમતી રિવરફ્રન્ટ રોડ પર ઈલેક્ટ્રીક AC દોડાવવામાં આવશે. AMTS દ્વારા રિવરફ્રન્ટના પશ્ચિમ છેડા પરના રૂટ પર પ્રાયોગિક ધોરણે મીડી બસ શરૂ કરવાનું નક્કી કરાયું છે અને શરૂઆતમાં 10 મીડી બસ દોડાવવામાં આવશે. વાસણા બસ ટર્મિનસથી વાડજ બસ ટર્મિનસ સુધી આ બસ દોડવાશે. આ બસ વાસણા ટર્મિનસથી ઉપડી ડો. આંબેડકર બ્રિજ પાસે ચંદ્રનગરથી રિવરફ્રન્ટમાં પ્રવેશ કરશે અને વાડજ સ્મશાન પાસેથી બહાર નીકળી વાડજ ટર્મિનસ સુધી જશે. વાસણાથી વાડજ સુધીના 10 કિલોમીટરના રૂટમાં 8 કિલોમીટર સાબરમતી રિવરફ્રન્ટનો રૂટ પર બસ દોડશે. આ બસ રૂટની સફળતાને પગલે બસની ફ્રીકવન્સી વધારવામાં આવશે અને રિવરફ્રન્ટના પૂર્વના છેડા પર પણ બસ રૂટ શરૂ કરાશે.
AMTS કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, હાલ રિવરફ્રન્ટ પર ફક્ત ટુ- વ્હીલર અને ફોર વ્હીલર દોડાવવાની મંજૂરી છે. રિવરફ્રન્ટ પર ફ્લાવર શો સહિતના યોજાતા કાર્યક્રમોમાં નાગરિકોને અવર જવર કરવામાં સરળતા રહે તે હેતુસર નવો બસ રૂટ શરૂ કરવાનું નક્કી કરાયું છે. આમ, રિવરફ્રન્ટ પર આવતા મુલાકાતીઓેને બસની સુવિધા મળી રહે તે હેતુસર આ રૂટ પસંદ કરાવ્યો છે. તા. 5 જૂનના રોજ રિવરફ્રન્ટ પર AMTSની મીડી ઈલેક્ટ્રીક AC બસોને લીલીઝંડી આપવામાં આવનાર છે.










