ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનાર ધોરણ.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં 14.26 લાખ જેટલા ફોર્મ ભરાયાં હોવાનું જાણવા મળ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે બોર્ડના પરીક્ષાર્થીઓમાં 1.13 લાખ જેટલો ઘટાડો જોવા મળ્યો છે.


આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થી ઘટવા પાછળનું કારણ આપતા બોર્ડના અધિકારીઓનું કહેવુ છે કે, ગત માર્ચ-2024ની બોર્ડ પરીક્ષાની સરળ પદ્ધતિ અને પૂરક પરીક્ષામાં કરેલા ફેરફારના લીધે પરિણામ ઊંચુ આવ્યું હતુ. જેના કારણે આ વખતે રિપીટર્સ વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.ધોરણ.10 અને 12 બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની લેઇટ ફી સાથેની મુદત 26મી ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ હતી. રેગ્યુલર ફી સાથે 13.75 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા એ પછી લેટ ફી સાથે 50 હજાર જેટલા નવા ફોર્મ ભરાતાં કુલ પરીક્ષાર્થીઓની સંખ્યા 14.26 લાખે પહોંચી ગઈ છે. ધોરણ.10માં 8.90 લાખ, ધોરણ.12 સાયન્સમાં 1.11 લાખ અને ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં 4.25 લાખ જેટલા ફોર્મ ભરાયાં હોવાનું બોર્ડના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ગત માર્ચ-2024માં લેવાયેલ પરીક્ષાની વાત કરવામાં આવે તો, સમગ્ર રાજ્યમાંથી 15.39 લાખ જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયાં હતાં, જેમાં ધોરણ-10 માટે 9,17,687 ભરાયાં હતાં. જ્યારે ધોરણ-12 સાયન્સની પરીક્ષા માટે 1,31,987 ફોર્મ ભરાયા હતા. આ ઉપરાંત ધોરણ-12 સામાન્ય પ્રવાહ માટે 4,89,279 ફોર્મ ભરાયાં હતાં. આમ, કુલ 15,38,953 જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયાં હતાં.


  • Follow us on: