એસ્ટેટ વિભાગ દ્વારા સતત દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. આ વચ્ચે પૂર્વના નિકોલ વોર્ડમાં કઠવાડા એસ્ટેટમાં બે અલગ અલગ સ્થાનો પર કામગીરી કરીને બુધવારે 2,178 ચો.ફૂટનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે.


જેમાં બાંધકામ હટાવવા માટેનો કુલ રૂ.50 હજારનો ચાર્જ વસુલવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ પૂર્વ ઝોનના બાંધકામ નિયમિત કરાવવા માટેના લોકદરબારમાં 95 જાહેર જનતાના પ્રશ્નો પહોંચ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને 83 ટકા કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે અને રૂ.18,53,263 ની ડિમાન્ડ નોટ આપવામાં આવી છે.

આ અંગેની વિગતો અનુસાર, એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર બાંધકામ પર સતત કામગીરી કરવામાં આવી રહી છે. જેના માટે પૂર્વના કઠવાડામાં રત્નમ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા બે યુનિટનું બાંધકામ લાંબા સમયથી કરવામાં આવ્યું હતું. જેના માટે નોટિસ આપીને હટાવવા માટે જણાવવામાં આવ્યું હતું. જેના પર મ્યુનિ. કોર્પોરેશને કાર્યવાહી કરતાં 1743 ચો.ફૂટનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. જેમાં રૂ. 20 હજારનો ચાર્જ વસુલવામાં આવ્યો છે. આ તરફ અન્ય એક શેડમાં પણ 3 યુનિટોનું બાંધકામ ગેરકાયદે રીતે કરવામાં આવ્યું હતું. જેના માટે 435 ચો. ફૂટનું બાંધકામ તોડી પાડયું છે. જેના પાસેથી કુલ રૂ.30 હજારનો ચાર્જ વસુલવામાં આવ્યો છે.

આ તરફ ગૃડા-2022ના અંતર્ગત બાંધકામ નિયમિત કરાવવા માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 95 જાહેર જનતાએ લાભ લીધો હતો. જેમાં 79 અરજીઓની ચકાસણી કરવામાં આવી હતી. અને કુલ 47 અરજીઓને મંજૂર કરીને નિકાલ કરવામાં આવ્યો છે. આ સાથે જ રૂ.18,53,263ની ડિમાન્ડ નોટ આપવામાં આવી છે. જે સાથે જ કુલ 83 ટકા કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.

દબાણ હટાવવાની કામગીરીમાં રૂ.1.35 લાખનો દંડ વસૂલાયો

હાઈકોર્ટના આદેશ બાદ શહેરમાં વિવિધ સ્થાનો પર દબાણ હટાવવા માટેની કામગીરી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં જાહેર માર્ગો પરથી દબાણ હટાવવા દરમિયાન કુલ 76 જેટલી લારીઓ, 299 જાહેરાતના હોર્ડિંગસ, 96 તાડપત્રી તથા અન્ય પરચુરણ માલ સામાનના 504 જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ મળીને કુલ 975 જેટલો માલ સમાન જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે જ રોડ પરના 20 જેટલા ખુલ્લા દબાણ પણ રસ્તા પરથી દૂર કરવામાં આવ્યા છે. આ સાથે જ વાહનો અને દબાણ સહિતના અડચણ દૂર કરવામાં કુલ રૂ.1,35,800 નો દંડ વસુલવામાં આવ્યો છે.


  • Follow us on: