શહેરમાં હોળીના દિવસે વસ્ત્રાલમાં 20થી વધુ શખ્સોએ હાથમાં તલવાર, ચપ્પુ જેવા હથિયારો સાથે આવીને રસ્તો બાનમાં લઇને રોડ પર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી.
આટલું જ નહિ રાહદારીઓને પણ ઉભા રાખીને તલવાર અને ચપ્પુના ઘા મારીને તેમના વાહનોને નુકસાન કર્યું હતું. આ ઘટનાના પગલે રામોલ પોલીસે 20થી વધુ શખ્સો સામે ગુનો નોંધીને એક સગીર સહિત 14 આરોપીની ધરપકડ કરી હતી. લુખ્ખાઓના આંતકના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસે આરોપીઓને જાહેરમાં સરભરા કરીને કાયદાનું ભાન કરાવ્યું હતું. બાદમાં સાત આરોપીના ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે આ અંગે વધુ બે આરોપી રવિ તિવારી અને હેમંત ઉર્ફે હેમુ ભાવસાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે અત્યાર સુધીમાં 16 આરોપીની ધરપકડ કરાઇ ચૂકી છે. પરંતુ મુખ્ય બે આરોપી પંકજ ભાવસાર અને ગોવિંદ ચૌહાણ પોલીસ પકડથી દૂર છે.










