પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં એક હજારથી વધુ મકાનો ધરાવતી અને જર્જરિત થઈ ગયેલી 3 મોટી રેલવે કોલોનીઓ બે વર્ષ પહેલાં તોડી પડાઈ હતી. આજદીન સુધી ફક્ત 90 મકાનો બનાવીને રેલવે તંત્રએ સંતોષ માન્યો છે. બાકીના હજારો રેલવે કર્મચારીઓના પરિવારો વૈકલ્પિક વ્યવસ્થા વગર અન્યત્ર ભાડાંના મકાનોમાં રહેવા મજબૂર બન્યા છે.
મણિનગર બાલવાટિકા પાસેની રાજપુર-હિરાપુર રેલવે કોલોની, મણિનગર રેલવે સ્ટેશન પાછળની ખોખરા રેલવે કોલોની, કાંકરિયા-ગોમતીપુર પાસેની ડિસ્કેલ રેલવે કોલોનીઓ જર્જરિત હોવાથી છેલ્લા બે વર્ષથી તોડી પડાઈ છે. આ અંગે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના સંયુક્ત મંડળ મંત્રી સંજય સૂર્યબલીના જણાવ્યા મુજબ, રેલવે તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી. હજારો રેલ કર્મીઓ કામના સ્થળેથી દૂર રહેવા મજબૂર બન્યા છે. રેલવે ઘર ભાડા આપે છે, પરંતુ તે મોંઘવારી મુજબ ઓછા છે.










