શેર માર્કેટમાં રોકાણ કરાવી ઓનલાઈન છેતરપિંડીના ઘણા કિસ્સા અત્યાર સુધી સામે આવ્યા છે. પરંતુ સોલા પોલીસ મથકે એક એવી ફરિયાદ નોંધાઈ છે. જેમાં આરોપીએ શેરબજારના એજન્ટ તરીકે લોકો સાથે ઠગાઈ કરી છે. આરોપીએ એક બે નહીં, પરંતુ 9 લોકો સાથે 13.59 કરોડની છેતરપિંડી કરી છે. આરોપીએ ન માત્ર શેરબજાર પરંતુ જમીનના રોકાણના બહાને પણ રુપિયા પડાવ્યા છે. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી છેતરપિંડીના રુપિયા ક્યાં રોકાણ કર્યા તે અંગે તપાસ શરુ કરી છે.


[[$googlead]]

 9 લોકો સાથે આરોપીએ 13.59 કરોડની છેતરપિંડી કરી

સોલા પોલીસની કસ્ટડીમાં રહેલા આ આરોપી કિશન રાડીયાને કદાચ તમે પણ ક્યાંક શેર માર્કેટની ટીપ આપતા જોયો અથવા સાંભળ્યો હશે. પરંતુ હવે તેના પર ભરોસો કરતા વિચાર કરજો. કારણ કે તેના પર ભરોસો કરનાર 9 લોકો સાથે આરોપીએ 13.59 કરોડની છેતરપિંડી કરી છે. અલગ અલગ શેરમાં રોકાણ કરવાના બહાને અને કાલાવાડ પાસે સસ્તી જમીન આપવાના બહાને લોકો પાસેથી રુપિયા પડાવ્યા છે અને તે રુપિયા આરોપીએ મેળવી તેમની પાસે છેતરપિંડી કરી છે. જેથી સોલા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરુ કરી છે.

[[$alsoread]]

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી

સોલા પોલીસે ફરિયાદી વિજય પટેલની ફરિયાદ નોંધી તપાસ કરતા સામે આવ્યું કે આરોપીએ લોકોને ભરોસામાં લેવા માટે સોલા રોડ પર એક ઓફિસ પણ ભાડે રાખી હતી. જેમાં તે રોકાણ માટે લોકો સાથે મિટીંગ કરતો હતો. જ્યાં ફરિયાદી અને તેના મિત્ર સાથે મુલાકાત કરી ટુકડે ટુકડે 13 કરોડથી વધુ રકમ પડાવી લીધી છે. પરંતુ તે રકમ શેરબજારમાં રોકવામાં ન આવી હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

પોલીસે નવનીત નામના આરોપીની શોધખોળ શરુ કરી

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી કિશનની સાથે નવનીત નામનો કાલાવાડનો પણ એક આરોપી સંડોવાયેલો છે. જે આંગડીયાના રુપિયા મેળવતો હતો. જેથી પોલીસે નવનીત નામના આરોપીની શોધખોળ શરુ કરી છે. સાથે જ આરોપીએ છેતરપિંડીના રુપિયા કયાં અને કોની પાસે રોકાણ કરાવ્યુ તે અંગે તપાસ શરુ કરી છે તથા છેતરપિંડીના રુપિયાથી કોઈ મિલકત વસાવી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: