શહેરના પૂર્વ વિસ્તારમાં બે અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યા છે. જેમાં નિકોલમાં ઘર આગળ રમતી 2 વર્ષની બાળકીને પીઅપ ડાલુએ અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી બાળકીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
જ્યારે અકસ્માતની બીજી ઘટના રામોલમાં બની હતી. જેમાં રામોલ પાસે બોલેરો પીકઅપે બાઇકને ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. બંને બનાવોમાં ટ્રાફ્કિ પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં જીવલેણ અકસ્માતની ઘટનામાં વધારો થયો છે ત્યારે નિકોલ અને રામોલમાં બે વ્યક્તિઓ અકસ્માતનો ભોગ બન્યા છે. નિકોલમાં રહેતા રમણભાઇ શર્મા કારખાનામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં ગત 23 એપ્રિલે તેમની 2 વર્ષની પુત્રી જ્યોતિ ઘર આગળ રમતી હતી ત્યારે તેમના પાડોશમાં રહેતા ભરવાડ નામના વ્યક્તિએ પૂરઝડપે પીકઅપ ડાલુ ચલાવીને જ્યોતિને અડફેટે લેતા તે પડી ગઇ હતી. ત્યારે તેની પરથી ડાલનું ટાયર ફરી વળતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી આસપાસના લોકોએ બાળકીને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન જ્યોતિનું મોત નીપજ્યું હતું. આ અંગે રમણભાઇએ ભરવાડ નામના વ્યક્તિ સામે આઇ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. બીજા બનાવમાં મહેમદપુરાગામમાં રહેતા 42 વર્ષીય ચીનુભાઇ ઠાકોર રામોલમાં કારખાનામાં નોકરી કરતા હતા. ગત 23 એપ્રિલે તેઓ બાઇક લઇને રામોલ-ગત્રાડ રોડ પર અદાણી સર્કલ પાસેથી કામઅર્થે પસાર થઇ રહ્યા હતા. તે સમયે પુરઝડપે આવી રહેલ બોલેરો પીકઅપ કારે બાઇકને ટક્કર મારતા ચીનુભાઇ રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ પહોચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. જ્યારે પીકઅપ કાર મૂકીને ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. આ અંગે આઇ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ફરાર ડ્રાઇવર સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.