- હોટેલમાં વાસણ ધોતા શખ્સે દુષ્કર્મના ઈરાદે બે વર્ષની બાળકીનું અપહરણ કર્યું
- સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચે 36 કલાકમાં આરોપીને ઝડપી લીધો
- શ્વાનોએ ભસવાનુ શરુ કરતા શખ્સ બાળકીને મૂકીને ફરાર થઇ ગયો હતો
અમદાવાદમાં 20 દિવસમાં બીજી માસુમ બાળકી હેવાનોના હાથે પીંખાતા બચી ગઈ છે. શહેરના રાયખડમાં 4 વર્ષની બાળકીને દુષ્કર્મના ઈરાદે ઉઠાવી ગયા બાદ ઈરાદા સફળ ન થતા તેને કાલુપુરમાં તરછોડી દેવાઈ હતી ત્યારે આવી જ બીજી ઘટના વસ્ત્રાપુરમાં બની છે.
જયાં 2 વર્ષની બાળકીને એક યુવકે ઉઠાવી જઈને દુષ્કર્મ કરવા પ્રયાસ કર્યો હતો પણ શ્વાનના ભસવાથી આ યુવકના ઈરાદા સફળ ન થતા બાળકી બચી જવા પામી છે. વસ્ત્રાપુરના મેલડી માતાના મંદિર પાસેની ફૂટપાથ પર પરિવારજનો સાથે સુઇ રહેલી બે વર્ષીય બાળકીનું ગત,20 જૂનની રાત્રે અજાણ્યા શખ્સે અપહરણ કરીને દુષ્કર્મ આચરવા વસ્ત્રાપુર લેકના બગીચામાં લઇ ગયો હતો. જો કે ત્યાં શ્વાનોએ ભસવાનુ શરુ કરતા આ શખ્સ બાળકીને ત્યાં મૂકીને ફરાર થઇ ગયો હતો. બીજી તરફ, પરિવારજનો શોધખોળ કરતા બાળકી સહીસલામત હાલતમાં મળી આવી હતી.










