રિક્ષા ભાડાના 30 રુપિયા ન આપતા આધેડને મોત મળ્યું છે. રિક્ષા ચાલકે આધેડને ટક્કર મારી હત્યા નિપજાવી હતી. જે અંગે પહેલા અકસ્માતે મોત અને બાદમાં હત્યા હોવાનો ખુલાસો થયો છે. જેથી નવરંગપુરા પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આરોપીએ રિક્ષાની ટક્કર માર્યા બાદ ફરી એક વખત રિક્ષા તેના પરથી ચડાવી દીધી હતી. જે સીસીટીવી ફુટેજ સામે આવ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.


[[$googlead]]

આરોપી સમીર રઘુનાથની પોલીસે કરી ધરપકડ

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા કળશ રેસિડન્સી પાસે એક મૃતદેહ હોવાની માહિતી મળતા પોલીસે અકસ્માતે મોતની તપાસ શરૂ કરી હતી. જે અંગે તપાસ કરતા પોલીસને બનાવના સીસીટીવી ફુટેજ મળી આવ્યા હતા. જેમાં એક રિક્ષા ચાલક આધેડ રાહદારીને ટક્કર મારે છે. બાદમાં રિક્ષા યુ-ટર્ન મારી ફરી એક વખત તેની ઉપર ચડાવી ફરાર થયો હતો. જે સીસીટીવી ફુટેજ સામે આવતા નવરંગપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જે તપાસમાં આરોપી સમીર રઘુનાથ હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી છે.

[[$alsoread]]

સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી

હત્યારા સમીરની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે 19 તારીખે રાતે સમીર વાડજ સર્કલથી રિક્ષા લઈ આવતો હતો, ત્યારે મૃતકે નવરંગપુરા જવાનું કહી રિક્ષામાં બેઠો અને નવરંગપુરા ઉતર્યા બાદ ભાડાના 30 રુપિયા ન આપતા રિક્ષા ચાલક સમીર સાથે તેને ઝઘડો થયો હતો. તે બાદ સમીરે રિક્ષા વડે ટકકર મારી હત્યા નિપજાવી હતી. હત્યા નિપજાવી આરોપી પોતાની રિક્ષા લઈ બોડકદેવના ઔડાના મકાનો ખાતે આવી ગયો હતો. જે અંગે નવરંગપુરા પોલીસે અને ઝોન 1 એલસીબીની ટીમે સીસીટીવીના આધારે પહેલા રિક્ષાના માલિક અને બાદમાં આરોપીને ઝડપી લીધો છે.

હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ કરી તપાસ કરતા હત્યાનું કારણ માત્ર 30 રુપિયા હોવાનું સામે આવ્યું છે, જોકે 30 રુપિયાની તકરારે યુવકને હત્યારો બનાવી દીધો અને હવે તેણે હત્યાના ગુનામાં જેલમાં જવાનો સમય આવ્યો છે. એટલે કે સામાન્ય તકરારમાં હવે યુવકે હત્યાના ગુનાની સજા ભોગવવાનો સમય આવ્યો છે. 

  • Follow us on: