પોતાની પ્રેમિકાને તેના પરિવારજનો દ્વારા અન્ય યુવક સાથે લગ્ન કરાવી દેતા જૂનાગઢના એક યુવકે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને પ્રેમિકાનો કબ્જો મેળવવા હેબિયર્સ કોર્પસ રિટ અરજી દાખલ કરી દાદ માંગી છે.
જેની સુનાવણીમાં જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે.દવેની ખંડપીઠે કોર્પસ યુવતી, તેના માતા-પિતા, કાલાવડ પોલીસ સહિતના પક્ષકારોને નોટિસ જારી કરી છે.યુવક તરફ્થી કરાયેલી હેબિયર્સ કોર્પસ અરજીમાં એવો દાવો કરાયો છે કે, અરજદાર અને જામનગરની યુવતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફ્તે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બંને છેલ્લા બે વર્ષથી પ્રણયસંબંધમાં હતા. અરજદાર અનાથ છે અને તેના માતા-પિતા ગુજરી ગયા છે. જેથી યુવતીના માતા-પિતાને તેમના લગ્ન મંજૂર ન હતા. જેથી બંનેએ ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ગત તા.20-12-2024ના રોજ તેઓએ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે તેમને પકડી લીધા હતા. યુવતીના પરિજનોએ યુવતીને માર માર્યો હતો અને અરજદારને પોલીસે જામનગરમાં ફરી નહી આવવા ધમકી આપી હતી.










