ગોમતીપુર અને ખોખરા સહિતના પૂર્વના વિસ્તારોના માટે મહત્વના ટ્રાફિક જંકશન એવા અનુપમ સર્કલ નજીક ડિવાઈડર બનાવી સર્કલ બનાવવા સુધીની કામગીરી કરવામાં આવી છે. પરંતુ ત્યાં ટ્રાફિક સીસ્ટમ કાર્યરત ન થતાં અને ટ્રાફિક પોલીસના અભાવના કારણે દિવસભર સ્થિતિ વકરી રહી છે.

આ રોડ પરથી શહેરમાં પ્રવેશ કરતી અને બહાર જતી બસોની મોટી સંખ્યામાં અવરજવર થતી હોય છે ત્યારે ત્યાં લોકોના આડેધડ રોંગ સાઈડ આવવાના કારણે અવરનવર અકસ્માતની ઘટના પણ બની રહી છે. તેમ છતાં ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવ્યો નથી.

જ્યાં એક તરફ શહેરમાં રાત્રિના સમયે ટ્રાફિક ડ્રાઈવ ચલાવામાં આવી રહી છે ત્યાં બીજી તરફ ખોખરાના અનુપમ સર્કલ પાસે ડિવાઈડર બનાવીને સર્કલ લાંબા સમય બાદ તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ વાહન ચાલકો તકેદારી ન રાખતા નિયમોનું ઉલ્લંઘન કરી રોંગ સાઈડ અવરજવર કરતાં હોય છે. જેના કારણે અકસ્માતની ઘટના પણ વધી રહી છે. ત્યારે બીજી તરફ સામાન્ય રાહદારી પરેશાન થઈ રહ્યા છે. તેમજ નજીકમાં ઘણી શાળાઓ અને કોલેજ આવેલી છે જેના કારણે પણ ટ્રાફિકની અરાજકતા સર્જાય છે. આ સર્કલ પર તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલા ટ્રાફિકના સિગ્નલ શોભાના ગાંઠિયા જેવા બની ગયા છે. જેના કારણે રાત્રિના સમયે પણ અકસ્માતની ઘટના બનતી રહે છે. આ અંગે ટ્રાફિક વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી જ સ્થાનિકોની માંગણી રહી છે.


  • Follow us on: