ખ્યાતી હોસ્પિટલ કાંડમાં ગરીબોના મેડિકલ માફિયાઓએ માત્ર પૈસા પડાવવાં હૃદય ચીરી નાંખ્યા, બે નિર્દોષ લોકોના જીવ પણ ગયાં. આટલી મોટી ઘટનામાં પોલીસ વિભાગ અને જવાબદાર અધિકારીઓના પેટનું પાણી ન હલ્યું. ટ્રાફિક દંડ બદલ પાંચ-પાંચ પોલીસ કર્મી વાહનચાલકોને ઘેરીને રોફ જમાવતી પોલીસ આ ગંભીર કેસમાં બેજવાબદારીભર્યું વલણ અપનાવતાં લોકોના રોષનું ભોગ બની રહ્યું છે. ખ્યાતી હોસ્પિટલકાંડ થયાના 10 દિવસ બાદ ક્રાઇમ બ્રાંચ ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોના ઘરે દરોડા પાડવા પહોંચે છે એટલું જ નહીં શુક્રવારે મિડિયા દ્વારા પોલીસને ખ્યાલ આવે છે કે કૌભાંડી કાર્તિકનું ફાર્મ હાઉસ સાંતેજમાં આવેલું છે અને તાબડતોબ દરોડાનું નાટક કરવા માટે પહોંચી જાય છે.
10-10 દિવસ સુધી પોલીસની પોકળ કાર્યવાહી થતાં ગરીબોના જીવલેનારાઓના ફ્લેટ, બંગલો કે ફાર્મ હાઉસમાંથી પુરાવા સગેવગે થયા કે પછી કરવામાં આવ્યા તેવા પ્રશ્ન લોકમાનસ પર ઉઠયાં છે. ખ્યાતી હોસ્પિટલમાં ગત.11 નવેમ્બરે બે દર્દીઓની બિનજરૂરી એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરાતા મોત નિપજ્યા કેસમાં તા.13ને બુધવારે રાત્રે વસ્ત્રાપુર અને કડી પોલીસ સ્ટેશનમાં કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, ડૉ.સંજય પટોલીયા, રાજશ્રી કોઠારી અને ડૉ.પ્રશાંત સામે સાઅપરાધ મનુષ્યવધની ફરિયાદ નોંધાઇ હતી. પહેલાથી જ આરોપીઓને છાવરવાનું નક્કી કરી દીધુ હોય તે રીતે ચિરાગ, સંજય અને રાજશ્રી ફરિયાદ નોંધાયાના થોડા કલાકો પહેલા જ તેઓ ફરાર થઇ ગયા હતા. બીજી તરફ, ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદ નોંધાયાના 10 દિવસ બાદ મિડીયા મારફતે જાણ થઇ કે, સાંતેજમાં આવેલ ખ્યાતી હોમ્સમાં અનાહત નામનું ફાર્મ હાઉસ કાર્તિક પટેલનું છે. જેના પગલે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરતી હોવાના દેખાડા કરવા માટે શુક્રવારે સાંજે ફાર્મહાઉસ પર નાટકીય દરોડા પાડયા હતા. ફાર્મ હાઉસમાં કંઇ ન મળ્યુ હોવાનું તપાસમાં બતાવીને ક્રાઇમ બ્રાન્ચે માત્ર સિક્યુરિટી ગાર્ડ અને ઘરઘાટીનું નિવેદન નોંધીને વીલા મોંઢે પરત ફરી હતી. આની પરથી સ્પષ્ટ થાય છે કે, દરોડા પાડતા પહેલા જ અનેક પુરાવા સગેવગે કર્યા હોવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે.










