શહેરમાં વિવિધ વિસ્તારોમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં રખિયાલમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં ઉભા કરવામાં આવેલા ગેરકાયદેસર 20 જેટલાં કોમર્શિયલ મકાનો તોડી પાડવામાં આવ્યા છે.
આ માટે કોમન પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ ઉભા કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન 350થી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેના માટે તકેદારીના ભાગ રૂપે આગોતરી નોટિસ આપવામાં આવી હતી. અગાઉ પણ અહીં 2008માં દબાણ દૂર કરવા માટે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી.
ચંડોળા તળાવ બાદ ફરી એકવાર શહેરમાં મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માટે ગુરૂવાર 15 મેના રોજ રખિયાલમાં મોરારજી ચોકમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં કેટલાં વર્ષોથી કોમન ઓપન પ્લોટ પર 20થી વધુ કારખાનાં અને દુકાન બનાવવામાં આવ્યાં હતાં. આ જગ્યા હાઉસિંગ બોર્ડની હતી, જેના માટે એસ્ટેટ વિભાગ દ્વારા મ્યુનિ.કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની મદદ લેવામાં આવી હતી. તમામ જગ્યા ગેરકાયદેસર હોવાથી સવારથી જ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. ડિમોલિશનની કામગીરી દરમિયાન આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. જે પછી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા પોલીસની મદદ લેવામાં આવીય હતી. છસ્ઝ્રના અનુસાર, મોરારજી ચોકમાં રહિશોના ઉપયોગ માટે જે ખુલ્લા પ્લોટ રખાયા હતા. તેના પર દબાણ કરીને કબજો કરી દેવાયો હતો. અને તેમાં કોમર્શિયલ એકમો ધમધમી રહ્યા હતા. દબાણો દૂર કરવાની આ કાર્યવાહી અંતર્ગત લગભગ 2680 ચોરસ મીટર જગ્યા દબાણમુક્ત કરવામાં આવી છે.
5000થી વધુ લોકોને રાહત મળી
આ પ્લોટનો કબજો મેળવવાથી સમગ્ર વિસ્તારમાં આસપાસમાં રહેતા હાઉસિંગ બોર્ડમાં રહેતા 5000 લોકોને ફયદો થશે. જ્યારે ગેરકાયદે મકાન પર મોટા પ્રમાણમાં દબાણ ઉભા કરવા સામે ઘણાં સવાલો ઉભા થઈ રહ્યા છે. જેમાં તમામ બાંધકામ કરવામાં આવેલા મકાનોમાં વીજ કનેક્શન આપવામાં આવ્યા હતા. તેમજ મોટા પ્રમાણમાં ઈલેક્ટ્રીક ઉપરકરણો પણ જોવા મળ્યા હતા. જેના કારણે ફરી એકવાર એએમસીની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.
અનિચ્છિનીય ઘટના ન બને તેના માટે પોલીસની મદદ લેવામાં આવી
હાઉસિંગ બોર્ડની જગ્યા પર કબ્જો કોઈ ન કરી શકે તેમજ ગેરકાયદે રીતે કબ્જો કરેલા લોકો સામે કાર્યવાહી કરવા માટે પોલીસની મદદ લેવામાં આવી હતી. આ માટે હાઉસિંગ બોર્ડ દ્વારા પોલીસ-બંદોબસ્ત માગવામાં આવ્યો હતો. એસીપી, પીઆઇ, પીએસઆઈ સહિત 385 પોલીસકર્મી બંદોબસ્તમાં છે. તેમજ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે તમામ બાજુ પર ફેન્સિંગ તાર લગવવામાં આવશે.
દક્ષિણ ઝોનના ઈસનપુરમાં 970 ચો.ફૂટનું દબાણ હટાવવામાં આવ્યું
ઈસનપુરમાં ગીતાકૃપા સોસાયટીની સામે આવેલા 6 મીટર પહોલાઈના ટીપી રોડ પરથી 970 ચો.ફૂટ ક્ષેત્રફળનું બાંધકામ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં એસ્ટેટ વિભાગ ઉપરાંત 25 દબાણ મજૂરોની મદદ લેવામાં આવી હતી. આ સાથે જ 15 મીટર લંબાઈનો બોટલ નેક ટીપી રોડ રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેના સાથે જ લાંબા સમયથી રોડ કપાતની જગ્યા જોવા મળી રહી હતી અને તેના કારણે ટ્રાફિકનું અડચણ જોવા મળી રહ્યું હતું. આ તરફ દક્ષિણ ઝોનમાં કામગીરી દરમિયાન જાહેર માર્ગ પર તથા બીઆરટીએસના રૂટ પર નડતર રૂપ 8 કાચા શેડ, 3 લારી, 54 પરચુરણ માલસામાન અને દબાણો તેમજ ગોડાઉન સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રોડ પર નડતર રૂપ રીતે પાર્ક કરવામાં આવેલા 10 વાહનોને લોક મારીને રૂ.11,500 જેટલો ચાર્જ વસુલવામાં આવ્યો છે. જેના સાથે જ રોડ પર લગાવવામાં આવેલા અને નડતર રૂપ જાહેરાતના બોર્ડ બેનર હટાવવામાટેની કામગીરી કરવામાં આવી છે અને જે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
મિલ મજૂરોના રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ શેડ ઉભા કરાયા
રખિયાલના વિસ્તારમાં જ્યાં બાંધકામ તોડી પાડવામાં આવ્યું તે વિસ્તારને 1960માં મિલ મજૂરો માટેના રહેણાંક સ્કીમ જાહેર કરવામાં આવી હતી. આ દરમિયાન જેતે સમયે કોમન પ્લોટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ જેના પર ગેરકાયદેસર કબ્જો કરવામાં આવ્યો હતો. આ પછી ત્યાં કારખાના અને શેડ ઉભા કરી દેવામાં આવ્યા હતા. જેના માટે અગાઉ 2008માં પણ ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેના પર ફ્રીથી ગેરકાયદે કારખાનાં અને દુકાન ઊભી કરી દેવાયાં હતાં જેથી હાઉસિંગ બોર્ડ દ્વારા એસ્ટેટ વિભાગની મદદથી તોડી પાડવામાં આવ્યાં છે.










