અમદાવાદના ફ્રુટના હોલસેલ વેપારીનું અજાણ્યા શખસોએ અપહરણ કરીને એક કરોડની ખંડણી માંગી મારમારતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે વેપારીએ એક યુવતી તથા તેની સાથેના દસથી પંદર અજાણ્યા શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
યુવતીએ વેપારીનો સંપર્ક સાંધી પોતાને નોકરીની જરૂરિયાત હોવાનું બહાનું કાઢીને નોકરી આપવાના બહાને વેપારીને જાળમા ફસાવ્યો હતો. વેપારી યુવતીને રાત્રે મળવા માટે ગુરૂદ્વારા આવ્યા બાદ યુવતીએ તેને ઘરે મુકી જવા માટે દબાણ કરીને ગાંધીનગર લાવી હતી. જ્યાંથી અગાઉથી પ્લાનીંગ કરીને બેઠેલા અજાણ્યા શખસોએ વેપારીને પોલીસની ઓળખ આપી કારમાં ઉઠાવી જઇ ખંડણી માંગી હતી. જોકે, ખંડણી પુરી પાડવામાં આવે તે પુર્વે જ પોલીસ આવી જતા શખસો ભાગી છુટયા હતા.
અપહરણનો ભોગ બનેલા વેપારી વસીમ સબ્બીર મુઘલ (ઉવ.35 ) જુહાપુરા હરિયાલી સોસાયટીમાં રહે છે. તે અમદાવાદમાં ફ્રુટનો હોલસેલના વેપાર સાથે સંકળાયેલો છે. વસીમ પર 8 ફેબ્રઆરીના રોજ એક અજાણ્યા નંબર પરથી યુવતીનો ફોન આવ્યો હતો. ત્યારબાદ આ યુવતીએ પોતાની ઓળખ કાયનાત સૈયદ તરીકે આપી પોતાને નોકરીની જરૂરિયાત હોવાની વાત કરી હતી. વસીમે તેને બાયોડેટા અને ઇન્ટર્વ્યુ આપવાની વાત કરતા યુવતીએ પોતાને આ પ્રકારની કોઇ બાબત આવડતી ન હોવાનું કહી પોતાને શીખવવા માટે કહ્યુ હતું. ત્યારબાદ યુવતીએ વસીમને વોટ્સએપ કોલ અને સતત મેસેજ કરતી રહી હતી. વેપારી તેની આ જાળમાં ફસાયો હતો. એક વખત તે યુવતીને મળવા માટે અમદાવાદ ગુરુદ્વારા ગયો હતો. જ્યાં બંનેએ કોફી પીધા બાદ યુવતીએ તેને બીજી વખત મળવા માટે બોલાવ્યો હતો. ગત તા. 26ના રોજ રાત્રે વસીમ યુવતીને મળવા માટે ગુરુદ્વારા પહોંચ્યો હતો. જ્યાં સિંધુભવન રોડ પર કોફી પીધા બાદ યુવતીએ તેને ઘરે આવવા આમંત્રણ આપ્યુ હતું. જોકે, વસીમે ના પાડી હતી. આથી યુવતીએ તેને ઘરે મુકી જવા દબાણ કર્યુ હતુ. યુવતી પોતે પેથાપુર રહેતુી હોવાનું કહેતા વસીમ પ્રથમ વૈષ્ણોદેવીથી અડાલજ અને ત્યાંથી તેને મુકવા માટે ઘ-6 સર્કલ પાસે પહોંચ્યો હતો. આ દરમિયાન યુવતી પર કોઇનો ફોન આવ્યો હતો. થોડીવારમાં એક અર્ટીગા કારમાં કેટલાક શખસો ધસી આવ્યા હતા. તેઓ પૈકી કેટલાકે પોતાની ઓળખ ગાંધીનગર ક્રાઇમ બ્રાંચના માણસો તરીકે આપી આ યુવતી છ મહિનાથી મીસીંગ હોવાનું કહીને વસીમને પોલીસ સ્ટેશને લઇ જવાની વાત કરી ગાડીમાં બેસાડયો હતો. ત્યારબાદ આ શખસોએ વસીમની ગાડી ચલાવી તેને કડી કટોસણ ખાતે નર્મદા કેનાલ પાસે લઇ ગયા હતા. જ્યાં યુવતીને કારમાંથી ઉતાર્યા બાદ વસીમને ખેતરમાં લઇ ગયા હતા. આ સમયે દસથી 15 શખસો હતા. જેઓના હાથમાં લાકડી, પ્લાસ્ટીકની પાઇપ, તલવાર, ધારિયા જેવા હથિયારો હતો. આ શખસોએ વસીમ પાસે એક કરોડની ખંડણી માંગી નહી તો અહિજ કબર ખોદી નાખશે તેવી ધમકી આપી મારમાર્યો હતો. ત્યારબાદ તેઓએ વસીમ પાસે ઓષ્ટ્રેલિયા રહેતા તેના ભાઇ પાસે ફોન કરાવી દસ હજાર ડોલર મંગાવવાની ધમકી આપી હતી. વસીમે ફોન કર્યો પરંતુ ભાઇએ ફોન રીસીવ કર્યો નહતો. વસીમે એક કરોડની રકમ આપવાની તેની ક્ષમતા નહી હોવાની વાત કરતા આ શખસોએ ખંડણીની રકમ ઘટાડીને દસ લાખ કરી હતી. જે માટે તેઓએ દબાણ કરી વસીમને મારમારતા વસીમે તેના મિત્ર રજીન સૈયદને ફોન કર્યો હતો. રજીને વોટ્સએપ કોલમાં અડધો કલાકની મહેતલ માંગી હતી. પૈસા મળે તેમ નહી લાગતા આ શખસોએ વસીમ પાસેથી સવા લાખનો મોબાઇલ, છસો દિરહામ, બાર હજાર રોકડ તથા 25 હજારની ઘડિયાળની લૂંટ ચલાવી હતી. થોડીવારમાં ચારથી પાંચ શખસો સ્થળ પરથી નીકળી ગયા હતા. આ દરમિયાન જ વસીમનો મિત્ર રજીમ પોલીસ સાથે સ્થળ પર પહોંચતા આ શખસો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્ત વસીમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેણે કાયનાત સૈયદ સહિત અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવતા સેક્ટર-21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
ભુલથી ફોન લાગતા ચાલાક મિત્રે પોલીસને જાણ કરી લોકેશન મેળવી લીધું
અપહણકર્તાઓ વસીમ મુઘલ પાસેથી ખંડણી વસુલ કરે તે પુર્વે જ પોલીસ પહોંચતા નાશી છટયા હતા. આ પાછળ તેના મિત્ર રજીન સૈયદની ચાલાકી કામ કરી ગઇ હતી. જ્યારે અપહણકર્તાઓએ વસીમનું અપહરણ કર્યુ ત્યારે તેની પાસેથી ફોન લઇ લીધો હતો. આ દરમિયાન ફોન રજીનને લાગ્યો હતો. મિત્ર વસીમ મુશ્કેલીમાં હોવાનું જણાતા તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પોલીસની મદદથી તેણે વસીમનું લોકેશન મેળવી લીધુ હતું. રજીન પાસેથી પૈસાની માંગણી કરાવતો ફોન કરાવ્યા બાદ રજીને અડધો કલાકનો સમય માંગ્યો હતો. આ સમયગાળા દરમિયાન જ રજીન પોલીસ સાથે તેના અન્ય મિત્રોને લઇને સ્થળ પર પહોંચી ગયો હતો. જેના કારણે પોલીસને જોઇ શખસો અંધારાનો લાભ લઇ ભાગી છુટયા હતા.