શહેરમાં એક તરફ ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. જેના સાથે જ પર્યાવરણમાં પણ મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. આ વચ્ચે AMC દ્વારા ગ્રીન કવર વધારવા માટે છેલ્લા પાંચ વર્ષથી મિશન થ્રી મિલીયન ટ્રીઝ અભિયાન હેઠળ વિવિધ ઝોનમાં વધુ વૃક્ષોની વાવણી થાય તેના માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
પરંતુ તંત્રની બેવડી નીતિના કારણે પહેલાં વિકાસ માટે વૃક્ષોને જાહેર રસ્તા પરથી દૂર કરવામાં આવે છે અને ખુલ્લા પ્લોટ પર વૃક્ષોરોપણ કરવામાં આવ્યું અને ગ્રીન કવર વધારવામાં આવ્યું હતું. પરંતુ હવે જે પ્લોટ પર વૃક્ષો ઉગી નીકળ્યા ત્યાંથી જ નિકંદન કરવાની શરૂઆત કરવામાં આવી છે. જેના સાથે જ પર્યાવરણ સાથે ગંભીર ચેડા થઈ રહ્યા હોવાનો વિપક્ષના કોર્પોરેટર દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે.
આ અંગે વાત કરતાં ગોમતીપુરના વિરોધ પક્ષના વરિષ્ઠ કોર્પોરેટરે જણાવ્યું કે, એક તરફ દર વર્ષે વિકાસના નામે આડેધડ વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે. જેમાં મેટ્રો અને સ્માર્ટ રસ્તાઓના નામે વૃક્ષો હટાવવામાં આવે છે. ત્યારે 10 લાખ વૃક્ષોનું મિશન પુરુ પાડવા મટે તંત્ર દ્વારા શહેરની વિવિધ ટીપીમાં જ્યાં ભવિષ્યમાં બાંધકામ ન થવાનું હોય તેમ વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યારે હવે AMC દ્વારા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે ત્યાં વિકાસના નામે અઢી લાખ વૃક્ષોનું નિકંદન કરવા જઈ રહ્યું છે. આ માટે સ્માર્ટ સીટીના 10 પ્લોટમાં દોઢ વર્ષ પહેલાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ હતું પરંતુ તેના પર ધ્યાન રાખવામાં આવ્યું નથી. જેના બદલે હવે AMC દ્વારા તે પ્લોટો પર લાયબ્રેરી, નેબરહુડ સેન્ટર અને આવાસ યોજના બનાવવા જઈ રહ્યું છે. આ માટે દોઢ વર્ષમાં રોપવામાં આવેલા વૃક્ષોને નિકંદન કરવામાં આવશે. એક તરફ તંત્ર દ્વારા વૃક્ષારોપણનના નામે કરોડો રૂપિયાનું રોપાણ કરવામાં આવે છે. જેના માટે વૃક્ષોને વિકાસના નામે ઉખાડવામાં આવી રહ્યા છે. આ સાથે જ લોકોના કરોડાના ટેક્સના પૈસાનું પાણીમાં વહી રહ્યા છે. એટલું જ નહીં શહેરમાં છેલ્લા ઘણાં સમયથી પર્યાવરણમાં પણ મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. જેના માટે વૃક્ષોની સંખ્યાનો ઘટાડો જવાબદાર જોવા મળી રહ્યો છે. તંત્રની બેવડી નીતિના કારણે પૈસા અને પર્યાવરણ સાથે ચેડા થઈ રહ્યા છે તે જોવા મળી રહ્યું છે.