હાથીજણ વિસ્તારમાં લાલ ગેબીનગર સોસાયટીમાં બિલ્ડરે પોતાની સ્કીમ માટે અન્ય એક સોસાયટીની કોમન જગ્યા પચાવી પાડી હોવાનું સામે આવ્યું છે.


જેમાં AMCના અધિકારીઓ અને બિલ્ડર દ્વારા ખોટા દસ્તાવેજ કરી સોસાયટીની કોમન પ્લોટ જમીન બિલ્ડરની સ્કીમ માટે લેવામાં આવી હોવાના સ્થાનિક 72 મકાનોનો આક્ષેપ છે. જેના માટે વિરોધ કરતાં સ્થાનિકોએ જણાવ્યું કે, 30 વર્ષથી અહીં રહીએ છીએ અને અચાનક જ મકાનોને ગેરકાયદેસર બતાવવામાં આવી દીધા છે. જેના માટે મુખ્યમંત્રી કાર્યાલય અને કલેકટર સુધી રજૂઆત કરીને તપાસના આદેશ આપવામાં આવ્યા છતાં હજી સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

આ અંગે ફરિયાદ કરતાં સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે, છેલ્લા 30 વર્ષથી સોસાયટી આવેલી છે. જેમાં રહેતાં લોકો લાંબા સમયથી અહીં જ વસવાટ કરી રહ્યા છે. આ માટે કેટલાંક લોકોએ ગેરકાયદેસર રીતે સોસાયટીના લેટરપેડ પર ખોટી સહી કરી AMCમાં જમીન વિભાજન કરાવાયું હતું. સોસાયટીની જમીન સોસાયટીમાં રહેતા સભ્યોની જાણ બહાર વેચી દેવામાં આવી હતી. તેમજ આ જમીન ઉપર બંગલોઝની સ્કીમ બનાવવામાં આવી રહી છે. આ મામલે કેટલાક મૃતકસભ્યોની પણ સહી કરવામાં આવી છે. એટલું જ નહીં આ અંગે સ્થાનિકોએ મુખ્યમંત્રી કાર્યાલય અને કલેકટરને પણ રજુઆત કરી છે, જેમાં તેમના દ્વારા પણ તપાસ માટેના આદેશ આપ્યા છે. પરંતુ AMCના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી નથી. તેના બદલે સીધી કોમન પ્લોટનો કબ્જો બિલ્ડરને વેચી આપવાનું કાવતરું ઘડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. જો કે સમગ્ર મામલે અધિકારીઓએ હાલ તપાસ ચાલી રહી હોવાનું જણાવી પ્રતિક્રિયા આપી નથી.


  • Follow us on: