એક તરફ સરકારી શાળાઓના નવીનીકરણ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરી રહી છે ત્યારે સૈજપુરબોઘામાં જીડી હાઈસ્કુલ રોડ પ્રભાકર ટેનામેન્ટ પાસે બે આંગણવાડી છેલ્લા ઘણાં સમયથી તેની બિસ્માર હાલત જોવા મળી રહી છે.
આ અંગે વાલીઓ દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં પણ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નાના બાળકોના સુરક્ષા અને હેલ્થ માટે ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. જેના કારણે બાળકોએ ગંદકીમાં બેસવું પડી રહ્યું છે અને તેમના માંદગીનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
આંગણવાડી દ્વારા બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવાની કામગીરી કરવામાં આવે છે. આ વચ્ચે સૈજપુરબોઘાના નરોડા રોડ પર છેલ્લા ઘણાં વર્ષોથી આંગણવાડી ચાલી રહી છે. જેમાં અંદાજે 50 જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ તેમાં છેલ્લા ઘણાં સમયથી બીસ્માર સ્થિતિમાં છે. જેમાં બારીના કાચ તૂટી ગયેલા છે અને અંદર પુષ્કળ પ્રમાણમાં ગંદકી છે. આ અંગે વાલીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવ્યા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. બીજી તરફ બાળકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં થઈ રહ્યા છે. તેના પર પણ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યું નથી.