અમદાવાદમાં નકલી જજ એવા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે કારંજ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં આરોપીએ ગેરકાયદે કેસ નોંધીને હુકમમાં દસ્તાવેજો ધ્યાને લીધા કે નોંધ્યા વગર ફ્રોડ કાર્યવાહી કરી હતી. આરોપીએ નકલી જજ બનીને આર્બિટ્રેશન એન્ડ ક્નેસીલેશન એક્ટ, દિવાની તથા મહેસુલી કાયદાઓની વિરૂદ્ધ જઈને ફ્રોડ કાર્યવાહીના હુકમ આધારે જમીનના ખોટો આર્બિટ્રેશન હુકમ પસાર કર્યો હતો.
કારંજ પોલીસ નકલી જજ મોરીસ ક્રિશ્ચિયનની ફરી ધરપકડ કરશે
સત્તા ન હોવા છતાંય આરોપીએ જમીન પચાવી પાડવા ખોટો એવોર્ડ (હુકમ) પસાર કરતા ભદ્ર સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રાર હાર્દિક દેસાઈએ કારંજ પોલીસ સ્ટેશનમાં આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન અને વકીલ એસ. વી. રાવલ સામે ફરિયાદ નોંધાવી છે. જેથી કારંજ પોલીસ નકલી જજ મોરીસ ક્રિશ્ચિયનની ફરી ધરપકડ કરશે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી મોરીસ ક્રિશ્ચિયન અને વકીલ એસ. વી. રાવલે કાવતરુ રચીને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની માલિકીની જમીન પચાવી પાડવા માટે ખોટી આર્બિટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી હતી. આરોપી સેમ્યુઅલે પોતાની સમક્ષ ગેરકાયદે આર્બિટ્રેશન કેસ નોંધી ખોટી રીતે પોતાને આર્બીટ્રેટર તરીકે નિમ્યો હતો.
ડિગ્રી ધરાવતો ન હોવા છતાં પોતાને વકીલ, આર્બિટ્રેટર, જજ તરીકે દર્શાવતો
4 સપ્ટેમ્બર 2019ના રોજ વિન્સેન્ટ ઓલીવર કાર્પેન્ટર તથા AMC વચ્ચે ગેરકાયદે તકરાર ઉત્પન્ન કરીને આરોપીએ પોતાને કહેવાતી તકરાર અંગે જાતે આર્બિટ્રેટર તરીકે નીમીને આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ માટે ખોટો કોર્ટ જેવો માહોલ ઉભો કર્યો હતો. સ્ટાફ તથા વકીલો ઊભા કરીને નકલી જજ બનીને જાતે કેસ દાખલ કરાવીને ચુકાદો પણ આપ્યો હતો. આરોપીએ કરોડોની સરકારી જમીનના અરજદારને માલિક બનાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, આરોપી મોરીસ ક્રિશ્ચિયને હુકમમાં AMC સંસ્થા જાતે માણસની જેમ હાજર થયેલી તેવી ખોટી નોંધ પણ કરી હતી. આમ, આરોપીએ વકીલ મારફતે ખોટા અને બનાવટી એવોર્ડ અનુસંધાને દરખાસ્ત દાખલ કરાવી સરકાર અરજદારનું રેવન્યૂ રેકર્ડમાં નામ દાખલ કરાવી આપે તેવી દાદ માગી હતી. આમ, આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન પોતે ડિગ્રી ધરાવતો ન હોવા છતાં પોતાને વકીલ, આર્બિટ્રેટર, જજ તરીકે દર્શાવીને ગેરકાયદે દસ્તાવેજો ઊભા કરીને નકલી જજ બનીને સરકારી તથા ખાનગી જમીનો પચાવી પાડતો હતો.
નકલી જજ વિરૂદ્ધ કારંજમાં આ ત્રીજી ફરિયાદ નોંધાઈ
નકલી જજ બનીને સરકારી જમીન પચાવી પડવાના કેસમાં આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે કારંજમાં આ ત્રીજી ફરિયાદ નોંધાઈ છે. આ કૌભાંડમાં આરોપી વકીલ એસ.વી.રાવલનો પણ રોલ હોવાનું સામે આવ્યું છે, હાલમાં વકીલ એસ.વી. રાવલનું અવસાન થયુ છે. જેથી હવે કાંરજ પોલીસ નકલી જજ મોરીસ ક્રિશ્ચિયનની ફરી ધરપકડ કરીને વધુ તપાસ કરશે.









