ડિજિટલ એરેસ્ટ સ્કેમમાં વધુ એક ગેંગ પર્દાફાશ થયો છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ડિજિટલ એરેસ્ટના નામે લોકો પાસેથી કરોડોની છેતરપિંડી કરતા વધુ એક ગેંગના 4 લોકોની અમદાવાદથી ધરપકડ કરી છે.
4 આરોપીની સાયબર ક્રાઈમે કરી ધરપકડ
આરોપીઓ પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપી અને ત્યારબાદ ભારતીય રૂપિયાને ક્રિપ્ટોકરન્સીમાં બદલી વિદેશ મોકલતા હતા. હાલમાં મોહમ્મદ અલી પટાવટ, તરુણ સિંહ વાઘેલા, બ્રિજેશ પારેખ અને શુભમ ઠાકોરની ડિજિટલ અરેસ્ટ કેસમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓ ઠગાઈના પૈસા માટે બેંક એકાઉન્ટ ભાડે આપી અને ઠગાઈના પૈસા બેંકમાંથી ઉપાડીને રોકડ પૈસા ગેંગના સભ્યોને આપતા હતા.
સુપ્રીમ કોર્ટનું બોગસ જજમેન્ટ દર્શાવી 1.26 કરોડ રૂપિયા પડાવ્યા
ઘટનાની વાત કરીએ તો અમદાવાદના એક વૃદ્ધ મહિલાને ડિજિટલ અરેસ્ટના નામે વીડિયો કોલ આવ્યો હતો, જેમાં બનાવટી આઈપીએસ અધિકારીની ઓળખ આપી વૃદ્ધાને મની લોન્ડરીંગ કેસમાં ડિજિટલ અરેસ્ટ કરી રહ્યા છે અને ડરાવી ધમકાવી સુપ્રીમ કોર્ટના જજનો ફોટો મૂકી તેની સાથે વાત કરી સુપ્રીમ કોર્ટનું બોગસ જજમેન્ટ દર્શાવી 1.26 કરોડ રૂપિયા પડાવ્યા હતા. જે બાદ વૃદ્ધા સાથે થયેલી ઠગાઈના આશરે 10 લાખ રૂપિયા આરોપી પૈકી મોહમ્મદ અલી પટાવટ અને તરુણ સિંહ વાઘેલા ખાતામાં જમા થયા હતા. જે બંને આરોપીની ધરપકડ કરતાં પૂછપરછમાં પોતે બેંક એકાઉન્ટ આરોપી બ્રિજેશ પારેખને 20 હજારમાં ભાડે આપ્યા હતા. જેમાં બ્રિજેશની સાયબર ક્રાઈમે ધરપકડ કરતાં શુભમ ઠાકોર મુખ્ય આરોપી છે. જે બેંકમાં રહેલા ઠગાઈના પૈસા ઉપાડીને રોકડમાં લઈ લેતો હતો.
મુખ્ય આરોપી શુભમ ઠાકોર અમદાવાદનો રહેવાસી
પકડાયેલ મુખ્ય આરોપી શુભમ ઠાકોર અમદાવાદનો રહેવાસી છે અને ડિજિટલ અરેસ્ટમાં ઠગાઈના પૈસા ભાડાના બેંક એકાઉન્ટમાંથી ઉપાડીને રોકડ પૈસા રાજસ્થાનના બે આરોપીને આપતો હતો. જે રોકડ પૈસા લઈ 10 ટકા કમિશન શુભમ લેતો હતો. વોન્ટેડ આરોપી યુ.એસ.ડીમાં કન્વર્ટ કરી ક્રિપ્ટો કરન્સીમાં રૂપિયાને આગળ મોકલતો હોવાનું સામે આવ્યું છે.
બે વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ
મહત્વ નું છે કે ભોગ બનનાર વૃદ્ધને ફોન વિદેશ એટલે કે કંબોડિયાથી આવ્યો હતો પણ ભારતમાં આરોપી બેંક એકાઉન્ટ ભાડે આપી અને પૈસા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. ત્યારે વૃદ્ધના 1.26 કરોડ અલગ અલગ 70થી વધુ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હોવાનું તપાસમાં ખુલ્યું છે. સાયબર ક્રાઈમે રાજસ્થાનના બે વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે.









