અમદાવાદમાં ઘણા વિસ્તારમાં અશાંત ધારો લાગુ છે, પરંતુ ભેજાબાજ બિલ્ડરોએ આવા વિસ્તારોમાં પણ તોડ કાઢી અશાંત ધારાના કાયદાને ઘોળીને પી રહ્યા છે અને હવે યેન કેન પ્રકારે કમાણી કરવા માટે હિન્દુ બિલ્ડરોને આગળ કરી પાછલા બારણે લઘુમતીઓને મકાન વેચવાનો કારોબાર ચાલી રહ્યો છે, આખરે ભાજપ સત્તામાં છે છતાં આ અંગે ન તો સરકાર, ન તો સ્થાનિક વહીવટી તંત્ર કોઈ કામગીરી કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
હિન્દુ બિલ્ડરોને આગળ કરીને લઘુમતી બિલ્ડર કરે છે કમાણી
આ અંગે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહના મત મુજબ છેલ્લા ઘણા સમયથી અશાંત ધારાવાળા વિસ્તારમાં હવે નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવી છે, જેમાં લઘુમતી બિલ્ડર દ્વારા હિન્દુ બિલ્ડરોને સામાન્ય પૈસા કે પાર્ટનરશીપ આપી સ્કીમ ઉભી કરવામાં આવે છે અને પછી વેચાણ લઘુમતી સમાજના લોકોને જ કરવામાં આવે છે, આ અંગેની અનેક રજૂઆત એલિસબ્રીજ, શાહપુર, વેજલપુર જેવા વિસ્તારમાં મળતા આ વિસ્તારના ધારાસભ્ય દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. મનપા કમિશનરને રજૂઆત કરતા તેમણે કહ્યું હતું કે તેમને માત્ર પ્લાન પાસ કરવાનો હોય છે. પરંતુ અશાંત ધારા મુદ્દે મંજૂરીની પ્રક્રિયા કલેક્ટર ઓફિસથી થતી હોય છે.
કલેક્ટરને આ અંગે કરાઈ છે ફરિયાદ
એવા વિસ્તાર કે જેમાં 2 કોમના લોકો વસવાટ નજીક નજીકમાં કરતા હોય ત્યાં અશાંત ધારો લાગુ કરવામાં આવે છે, જેથી કોઈ એક કોમ અન્ય કોમ પર હાવી ન થઈ શકે અને શાંતિ પૂર્ણ વાતાવરણ રહે. કાયદાકીય રીતે કોઈ છીંડા ગોતવામાં આવે છે અને બાદમાં આ રીતે કલેક્ટર ઓફિસથી મંજૂરી મેળવી લેવામાં આવે છે. જેથી કલેક્ટર પણ સીધી રીતે કશું કરી શકતા નથી. ત્યારે આ મામલે હવે મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. અમિત શાહ સ્પષ્ટ કહી રહ્યા છે કે અમે અમારા તરફથી બેસ્ટ પ્રયાસ તો કરીએ છે પરંતુ આ બધું પૈસો કરાવે છે. જેમાં કલેક્ટર ઓફિસ હોય, પોલીસ વિભાગ, મહેસુલ વિભાગ આવી ગયા અને આ મંજૂરીઓ આપવામાં આવતી હોય છે. હાલમાં આ તકલીફ સૌથી વધારે વેજલપુર, એલિસબ્રિજ અને દરિયાપુર વિધાનસભામાં છે. મણિનગર અને બાપુનગર વિધાનસભાના કેટલાક વિસ્તારમાં પણ અશાંતધારો અમલી છે, પરંતુ ત્યાં આટલી હદે પરેશાની નથી.
એક તરફ સરકાર હિન્દુત્વની વાતો કરે બીજી તરફ 'સબકા સાથે સબકા વિકાસ'ની પણ વાતો કરે છે, પરંતુ કાયદામાં રહેલા છીંડા દૂર નથી કરવામાં આવતા જેના કારણે આ પરેશાની થઈ રહી છે તો બીજી તરફ ધારાસભ્યને પણ ઘણા કિસ્સામાં અધિકારીઓ સાંભળતા નથી, જેથી આ પ્રકારની તકલીફો ઉભી થઈ રહી છે.









