• શેરબજારમાં કમાણી અને ક્રિપ્ટોમાં કમાણી કરાવી સાઈબર ઠગોએ વિશ્વાસ જીત્યો

  • વેબસાઈટમાં 41 કરોડનો નફો બતાવ્યો પણ પૈસા ના મળતા સાઈબર સેલમાં ફરિયાદ
  • ક્રિપ્ટોમાં મોટું રોકાણ કરાવી 41 કરોડની કમાણી થયાનું વેબસાઈટ પર બતાવીને 1.34 કરોડનો ચૂનો

B. Tech થયેલા 68 વર્ષીય વૃદ્ધને ક્રિપ્ટો કરન્સીમાં ઉંચો નફો કમાવી આપવાની લાલચ આપી સાયબર ઠગોએ 1.34 કરોડનો ચૂનો ચોપડયાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ફેસબૂક,ઈન્સ્ટાગ્રામથી શેરબજારમાં રોકાણ સામે વળતર કમાવવાની જાહેરાત આધારે વૃદ્ધના સંપર્કમાં રાહુલ શર્મા આવ્યો હતો.આ શખ્સે શરૂઆતમાં સિનિયર સિટિઝનને શેરબજાર અને ક્રિપ્ટોમાં સારી કમાણી કરાવી પૈસા પણ ખાતામાં જમા કરાવ્યા હતા.

બાદમાં ક્રિપ્ટોમાં મોટું રોકાણ કરાવી 41 કરોડની કમાણી થયાનું વેબસાઈટ પર બતાવીને 1.34 કરોડનો ચૂનો ચોપડયાની ફરિયાદ સાઈબર સેલમાં નોંધાઈ છે.શેલના ઓર્ચિડ હેવનમાં રહેતાં અને બી.ટેક સુધીનો અભ્યાસ કરનાર નંદ બસલીન્ગપ્પા બોગોટેએ જાન્યુઆરી, 2024માં સો.મિડિયા પર રાહુલ શર્મા નામના શખ્સ સાથે સંપર્ક થયો હતો. શેરબજારમાં નફો કમાવાની સોશિયલ મિડિયામાં જાહેરાત આપનાર રાહુલે ફરિયાદીને વોટસએપ ગ્રૂપમાં એડ કરાવ્યા હતા. જેમાં ટીપ આવતી તે મુજબ શેર લેવાથી નંદ બોગોટને સારો એવો ફાયદો થયો હતો. તે પછી જૂદા જૂદા વોટસએપ ગ્રૂપમાં જોડી રાહુલ તે ગ્રૂપ બંધ કરી દેતો હતો. બાદમાં ફરિયાદીએ કોલ કરતા રાહુલે તેઓને ક્રિપ્ટોમાં રોકાણ કરાવી મોટી કમાણીની લાલચ આપી હતી. પછી તેઓને તેની વેબસાઈટની લિંક આપી તેમાં જોડાવા જણાવ્યું હતું. તે પછી આરોપીએ નફો વેબસાઈટમાં જોવા મળશે તેવી વાત કરી હતી.

રાહુલ વિશ્વાસ જીતવા બોગોટ બેલેન્સમાંથી પૈસા ઉપાડવા રિકવેસ્ટ મોકલતા 1,44,912ની રકમ તેઓના એકાઉન્ટમાં જમા થઈ હતી. આમ, જેન્યુઈન વેબસાઈટ હોવાનો વિશ્વાસ મુકી ફરિયાદીએ 1,34,60,533નું રોકાણ દોઢ માસમાં કર્યું હતું. આ વેબસાઈટમાં ફરિયાદી ક્રિપ્ટોમાં રોકાણ કરી 41 કરોડ કમાયાની વિગતો આવતી હતી. આ પૈસા ઉપાડવા માટે ફરિયાદીએ રિકવેસ્ટ મોકલી જવાબ આવ્યો પૈસા નહી ઉપાડી શકય. આખરે ફરિયાદીને તેઓ સાથે છેતરપિંડી થયાનું જણાતા સાયબર સેલમાં રાહુલ શર્મા સહિત છ જણા સામે ફરિયાદ કરી હતી.


  • Follow us on: