રાજયભરમાં આધાર કાર્ડમાં નામ સરનામા બદલીને ચાઇનીઝ ગેંગ માટે વિવિધ બેંકોમાં બેંક એકાઉન્ટ ઓપન કરાવતી ગેંગને 11 જેટલા સાગરિતોની ધરપકડ કરાયા બાદ તેમની પુછપરછમાં નવી ચોંકાવનારી માહીતી સામે આવી છે.
અમદાવાદ સાયબર ક્રાઇમને વિવિધ બેંકના કર્મચારીઓની સંડોવણી હોવાની મહત્વની વિગતો સામે આવતા આગામી દિવસોમાં બેંકોના કર્મચારીઓની ધરપકડ થવાની શક્યતા છે. નકલી આધાર કાર્ડ હોવાની જાણ છતાંય, બેંકના કર્મચારીઓ ટારગેટ પુરો કરવા માટે બેંક એકાઉન્ટ ખોલી આપતા હતા. અસલી આધાર કાર્ડમાં નામ-સરનામામાં ચેડા કરીને તેને બેંકમાં રજૂ કરીને બેંક એકાઉન્ટ ખોલાવીને તેનો ઉપયોગ ઓનલાઇન છેતરપિંડી કરતી ચાઇનીઝ ગેગ માટે કરતા હતા. લાખો રૂપિયાના આર્થિક વ્યવહાર કરતી રાજસ્થાનની બિશ્નોઇ ગેંગના 11 સાગરિતોની ધરપકડ બાદ બેંક કર્મચારીઓ સાથેની સાંઠગાંઠ ખુલવા પામી છે. જેમાં કેટલીક ખાનગી બેંકના એજન્ટો બેંક એકાઉન્ટ ઓપન કરવાના ટારગેટને પુરો કરવા આ કાંડ કરતા હતા. બોગસ આધાર કાર્ડનું વેરિફ્કિેશન કર્યા વિના જ બેંક એકાઉન્ટ ઓપન કરીને ડેબિટ કાર્ડ પણ કુરિયર કરવાને બદલે હાથોહાથ પહોંચતા કરતા હતા. આ કેસમાં આગામી સમયમાં બેંકોને નોટિસ પાઠવીને તપાસ કરવામાં આવશે અને બેંકના કર્મચારીઓની ધરપકડ પણ થઇ શકે છે.










